
નવીદિલ્હી,
ફરી એકવાર વધતા કોરોના કેસ વચ્ચે દેશભરમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. દેશના બધા એરપોર્ટ પર વધારેમાં વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે અને સતત ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. બે મહિના પછી ફરી એકવખત, અઠવાડિયાના કોરોના કેસોમાં થોડા પ્રમાણમાં વધારો થયેલો દેખાઈ રહ્યો છે.
જોકે, વૈશ્ર્વિક સ્તર પર જોવા જઈ તો સરખામણીએ ભારતમાં હાલની પરિસ્થિતિ ખૂબ સારી છે. આ પૂરા થયેલા અઠવાડિયામાં દેશના કેસોમાં થોડો વધારો થયો છે. કેસ વધવાનું કારણ એ છે કે દેશમાં ટેસ્ટિંગના પ્રમાણને પણ વધારવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે ૧૧૦૩ કેસ હતા, તેની સામે આ અઠવાડિયે ૧૨૧૯ કેસ નોંધાયા હતા. એટલે કે ગયા અઠવાડિયાની સાપેક્ષ ૧૧ ટકાનો વધારો થયો છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ તેમજ તેલંગાણા અને પશ્ર્ચિમ બંગાળમાં સંક્રમણમાં થોડો વધારો જોવા મળ્યો છે. જોકે હજી સુધી એ વાતની જાણ નથી થઇ કે આ નવી કોરોનાની લહેરના સંકેત છે કે પછી ટેસ્ટિંગના પ્રમાણને વધારવાથી આંકડામાં વધારો દેખાઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭ નવા કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગરમાંથી ૩, અમદાવાદમાંથી ૨ જ્યારે ભાવનગર-વલસાડમાંથી ૧-૧ કેસનો સમાવેશ થાય છે. ગુજરાતમાં હાલ ૪૦ એક્ટિવ કેસ છે અને એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. અમદાવાદમાંથી સૌથી વધુ ૧૫, વડોદરામાંથી ૫, ભાવનગર-ગાંધીનગરમાંથી ૪, વલસાડમાંથી ૩, પંચમહાલ-રાજકોટમાંથી ૨ જ્યારે તાપી-જુનાગઢ-જામનગર-દાહોદ-બનાસકાંઠામાંથી ૧-૧ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.