વનીતા શર્મા દીકરીની ડેડબૉડી જોઈને બેભાન થયાં, પરિવારના સભ્યોએ માંડ માંડ સંભાળ્યા

મુંબઈ,

૨૦ વર્ષીય ટીવી-એક્ટ્રેસ તુનિષા શર્માએ ૨૪ ડિસેમ્બરના રોજ બપોરે ૩.૧૫ વાગ્યે સિરિયલ ’અલીબાબા દાસ્તાને કાબુલ’ના સેટ પર આત્મહત્યા કરી હતી. એકની એક દીકરીએ આ રીતનું પગલું ભરતાં માતા વનીતાને ઘેરો આઘાત લાગ્યો છે. તુનિષાની માતાનો ઇમોશનલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા બાદ તુનિષાના ચાહકો ને ટીવી સેલેબ્સની આંખો પણ ભીની થઈ ગઈ છે. શિજાન ખાન પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ દરમિયાન તે રડી પડ્યો હતો.તુનિષાની માતા સોમવાર, ૨૬ ડિસેમ્બરની રાત્રે પરિવાર સાથે ભાયંદરની હોસ્પિટલ આવી હતી. અહીં તુનિષાની ડેડબૉડી રાખવામાં આવી છે. વનીતા શર્માને બે લોકોએ પકડી રાખ્યા હતા. વનીતા સરખી રીતે ચાલી પણ શક્તાં નહોતાં. દીકરીની ડેડબૉડી જોયા બાદ તેઓ એકદમ બેભાન જેવા થઈ ગયાં હતાં. તેમને બેશુદ્ધ હાલતમાં જ હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવ્યાં હતાં.

તુનિષાની ડેડબૉડી હોસ્પિટલમાં મૂકવામાં આવી હતી અને તેની માતા વનીતાના વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. વનીતા શર્મા પરિવાર સાથે હોસ્પિટલ આવ્યાં હતાં. તુનિષા શર્માના આજે એટલે કે ૨૭ ડિસેમ્બરના રોજ અંતિમસંસ્કાર કરવામાં આવે એવી શક્યતા છે.તુનિષાની માતાએ સિરિયલ ’અલીબાબા દાસ્તાને કાબુલ’ના કો-સ્ટાર શિજાન ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. શિજાન ૨૮ ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે.

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિજાને પોલીસ-પૂછપરછમાં મહત્ત્વની માહિતી આપી છે. શિજાને પ્રાથમિક પૂછપરછમાં એવું કહ્યું હતું કે બંને રિલેશનશિપમાં હતાં, આ વાત સાચી છે, પરંતુ બંનેના ધર્મ અલગ હતા અને ઉંમરમાં પણ તફાવત હતો. શિજાન ૨૮નો તો તુનિષા ૨૦ વર્ષની હતી. શિજાને એમ પણ કહ્યું હતું કે શ્રદ્ધા મર્ડર કેસ પણ તેમના સંબંધો તૂટવા પાછળ જવાબદાર છે. એ સમયે દેશમાં જે રીતનો માહોલ હતો એનાથી તે અપસેટ હતો. પોલીસે કહ્યું હતું કે તેઓ લવ-જિહાદ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે.

પોલીસને શિજાનની આ વાતો પર વિશ્ર્વાસ નથી, કારણ કે તુનિષાના પરિવારનો આક્ષેપ છે કે શિજાન એક્સાથે અનેક યુવતીઓ સાથે રિલેશનશિપમાં હતો. શિજાને તુનિષાને પ્રેમમાં દગો આપ્યો હતો. શિજાન આ બધાથી બચવા માટે ઉંમર તથા ધર્મની વાતો કહી રહ્યો છે. જોકે હવે પોલીસ એ જાણવા માગે છે કે શિજાન ઈચ્છતો હતો કે તુનિષા ધર્મ બદલીને તેની સાથે લગ્ન કરે? વધુમાં તુનિષાની માતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શિજાને લગ્નનું વચન આપીને બ્રેકઅપ કર્યું હતું. આ પહેલાં પણ તેના કોઈ યુવતી સાથે સંબંધો હતો. ત્યાર બાદ પણ તેણે તુનિષા સાથે રિલેશન રાખ્યા. તેણે મારી દીકરીનો ત્રણ-ચાર મહિના યુઝ કર્યો. તુનિષાની માતાએ એક વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેમાં તે કહે છે કે તેને (શિજાન) સજા મળવી જોઈએ. શિજાનને છોડવો જોઈએ નહીં. તેની દીકરી તો જતી રહી. બસ મીડિયા કોપરેટ કરે છે અને તે આભાર માને છે. તો તુનિષાના કાકા પવન શર્માએ કહ્યું હતું કે તુનિષાએ થોડા દિવસ પહેલાં તેમને ફોન કર્યો હતો. તે ઘણી જ અપસેટ હતી. તેણે કહ્યું હતું કે તેની સાથે ખોટું થયું છે. તેને ચીટ કરવામાં આવી છે.અહેવાલ પ્રમાણે, પોલીસ સ્ટેશનમાં શિજાન પૂછપરછ દરમિયાન રડી પડ્યો હતો. શિજાન છેલ્લા બે દિવસથી તુનિષા સાથેના બ્રેકઅપ અંગેની અલગ અલગ વાતો કહી રહ્યો છે. મહિલા અધિકારીએ કહ્યું હતું કે પહેલાં શિજાન એકદમ ચૂપ રહેતો હતો. તેના હાવભાવ જોઈને કંઈપણ અંદાજો લગાવી શકાતો નહોતો, જોકે ૨૬ ડિસેમ્બરની રાત્રે તે રડવા લાગ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, તુનિષાની માતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે છ મહિના પહેલાં જ તુનિષા એક્ટર શિજાન સાથેના સંબંધોથી ખુશ હતી. તેણે આ વાત કહી હતી. જોકે ૧૫ દિવસ પહેલાં જ શિજાને બ્રેકઅપ કર્યું હતું અને તે આ વાતથી ઘણી જ અપસેટ હતી. તુનિષાની માતાએ દીકરીએ શિજાનને કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે.પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિજાને પૂછપરછમાં કહ્યું હતું કે તુનિષાએ થોડા દિવસ પહેલાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ સમયે તેણે તુનિષાને બચાવી લીધી હતી. તેણે આ અંગે તુનિષાની માતાને પણ કહ્યું હતું અને તુનિષાનું યાન રાખવાનું કહ્યું હતું. પોલીસ શિજાનના નિવેદનની ખરાઈ કરી રહી છે.