અમદાવાદ,
ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત્ રહી છે અને ૬ શહેરમાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ૫.૮ ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. કચ્છમાં હજુ આવતીકાલે પણ કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં નલિયા ૫.૮,ડીસા ૯.૬,ભૂજ ૧૦.૦,રાજકોટ ૧૦.૨,અમરેલી ૧૧.૦,ગાંધીનગર ૧૧.૭,કંડલા ૧૩.૦,અમદાવાદ ૧૩.૨,ભાવનગર ૧૩.૯,સુરત ૧૪.૧,વડોદરા ૧૪.૪ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ગત રાત્રિએ અમદાવાદમાં ૧૩.૨ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો જ્યારે આજે દિવસ દરમિયાન ૨૬.૯ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પવનની ગતિ વધારે રહેતાં આજે દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ૩ જાન્યુઆરીથી તાપમાન ૧૧ ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીમાં વધારો અનુભવાશે.
નલિયામાં ૫.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો જ્યારે ડીસામાં ૯.૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગાંધીનગરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૧.૭ અને સરેરાશ મહત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી નોંધાયું હતું. નલિયા, ડીસા, ગાંધીનગર ઉપરાંત અમરેલીમાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૪-૫ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.