- રેકડી બજારનો મુદ્દો ગરમાયો.
ડાંગ,
ડાંગનું સાપુતારા એવુ પ્રવાસન સ્થળ છે જ્યાં રજાના સમયમાં હજારો પ્રવાસી મુલાકાત લેતા હોય છે. સાપુતારાનો વિકાસ કરવાની પાછળ માત્ર પ્રવાસન સ્થળને વિક્સાવવાનું નહીં પણ સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળે તેવો પણ હેતુ હતો. પણ આજે સાપુતારાના સ્થાનિક આદિવાસી બંધુઓ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. રેકડી બજારમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો હોવાનો આદિવાસી બંધુઓ આરોપ લગાવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અહીં રૂપિયા લઈ દુકાનોમાં તેમને યોગ્ય સુવિધાઓ આપવામાં આવી નથી.
ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારાનું નામ સાંભળતા જ ત્યાંની આબોહવા અને માહોલનો લ્હાવો લેવાનું મન થાય. તેમાય નાતાલની રજાઓના દિવસોમાં અચૂક ફરવા જવાનું મન થાય. પણ જો તમે સાપુતારા ફરવા જવાનો પ્લાનિંગ કરતા હોવ તો આ માહિતી અવશ્ય વાંચજો. જોકે આ માહિતી સ્થાનિક તંત્ર સામે ઉભો કરતો એક સવાલ પણ છે. તેની પાછળનું કારણ છે સ્થાનિક વહિવટી તંત્રની અણઆવડત. ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસીઓની ઉન્નતી માટે અને સાપુતારાના વિકાસ માટે અનેક નિર્ણયો લીધા અને અનેક કાર્યક્રમો કર્યા. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સાપુતારા જેવા વિસ્તારના વિકાસની સાથે સ્થાનિક આદિવાસીઓનો પણ વિકાસ થાય, પણ આજે સાપુતારાના લોકો આંદોલનની ચીમકી આપી રહ્યા છે.
પ્રવાસન વિભાગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે સરકારે અનેક ઉત્સવો કર્યા. પરંતુ સાપુતારામાં સરકાર દ્વારા ખર્ચેલા કરોડો રૂપિયાની ધૂળ થઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે સાપુતારા આવતા પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા વિવિધ પ્રકલ્પોની હાલત બિસ્માર છે. ખરાબ રસ્તા, તૂટેલા બાકડા, તૂટેલી કચરાપેટી અને બંધ હાલતમાં સ્ટ્રિટ લાઈટ જોવા મળે છે. પ્રવાસીઓને સુવિધાના નામે ખર્ચેલા લાખો રૂપિયા તો પાણીમાં ગયા પણ સાપુતારા આવતા પ્રવાસીઓ પણ સુવિધા વિહીન રહ્યા છે. એટલુ જ નહીં પણ પ્રવાસન વિભાગે ૨૦૧૮માં બનાવેલા રેકડી બજારનો મુદ્દો પણ ગરમાયો છે. રેકડી બજારની એક દુકાન માટે ૧૧ મહિના લેખે ૨૨ હજાર રૂપિયા તો આદિવાસી બંધુઓ પાસેથી ઉઘરાવ્યા પણ આજદિન સુધી લાઈટ કે પાણીની સુવિધા આપી નથી.
આદિવાસી બંધુઓ તો ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે વાયદો આદિવાસી ભાઈઓને રોજગારી આપવાનો હતો પણ આદિવાસીઓનો કોઈ ફાયદો નથી. બહારના આવી અહીં વ્યવસાય કરે છે અને સાપુતારાના મૂળ વતની એવા આદિવાસીઓ મજૂરીમાં જ લાગેલા છે. આદિવાસી લોકોનો આરોપ છે કે દુકાનો એક ખાનગી એજન્સીને આપીને તેમની સાથે અન્યાય કર્યો છે. સાપુતારાના સ્થાનિક રહેવાસીઓને ફાયદો મળવાને બદલે બહારના લોકોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
એક તરફ અધૂરા વિકાસથી પ્રવાસીઓ સુવિધાઓથી વંચિત છે. બીજીતરફ આદિવાસીઓના પોતાને અન્યાય થયો હોવાનું જણાવી રહ્યા છે. સ્થાનિક તંત્રની અણઆવડત કહો કે લેભાગુ તત્વોનો સ્વાર્થ, સ્થાનિક આદિવાસી જનતા પરેશાન છે. હવે આદિવાસી બંધુઓ કહી રહ્યા છે કે જો અમારી માગ નહીં સંતોષાય તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું.