લુણાવાડા,
લુણાવાડા એ.પી.એમ.સી.માં સરકાર ટેકાના ભાવે ડાંગરની ખરીદી હોવાથી એપીએમસીની બહાર બે કિ.મી.લાંબી વાહનોની લાઈનો દેખીને ખેડુતોને પુછતા ખેડુતોએ જણાવ્યુ હતુ કે, અમને ડાંગરની ખરીદીનો મેસેજ આવ્યો હતો. જેથી અમે ટ્રેકટરોમાં ડાંગર ભરીને અહિંયા વેચવા માટે આવ્યા છે. મેસેજમાં વેચાણ માટેની અલગ અલગ તારીખો આપવામાં આવી છે પરંતુ નંબર જલ્દી ન આવતો હોવાથી અમે વહેલા આવીને લાઈનમાં ઉભા રહી ગયા છે. એપીએમસી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને એક દિવસમાં ખરીદી થઈ શકે તેટલા જ ખેડુતો અહિંયા બોલાવવા જોઈએ જેથી કરીને અમારે અહિંયા લાઈનોમાં ઉભા ન રહેવુ પડે. તો કેટલાક ખેડુતો જણાવી રહ્યા હતા કે, અમે ભાડે ટ્રેકટર લઈને આવ્યા છીએ જેથી નંબર નહિ આવે ત્યાં સુધી ટ્રેકટરનુ ભાડુ ચડશે અને આમ અલગ અલગ ખેડુતોએ પોતાની વ્યથાઓ જણાવી હતી. હાલ એપીએમસીના ગ્રાઉન્ડ સહિત બહાર ગેટથી છેક સંતરામપુર સુધી બે કિ.મી.સુધી ડાંગર ભરેલા ટ્રેકટરોની લાઈનો લાગી છે. ત્યારે આ રીતે એક સાથે વધુ ખેડુતોને મેસેજ આવતા તમામ ખેડુતો વેચાણ માટે ડાંગરના ટ્રેકટરો ભરીને એપીએમસી પહોંચી ગયા છે. જેથી મોટી લાઈનો સર્જાઈ છે. દિવસમાં જેટલી ખરીદી થઈ શકે તેટલા જ ખેડુતોને મેસેજ કરવામાં આવ્યો હોત તો આવી સ્થિતિનુ નિર્માણ ન થાય અને ખેડુતોને યોગ્ય રીતે લાઈનોમાં પડ્યા વગર વેચાણ કરી શકત. પરંતુ વહીવટી તંત્રના અણઆવતના કારણે ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા.