અમદાવાદ,
: ઉતરાયણ ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. સામાન્ય રીતે ડિસેમ્બરના અંતથી જ આપણે ત્યાં ઉતરાયણની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. દોરી-પંતગની રંગત જમાવવા માટે દુનિયાભરના પતંગ રસિયાઓ પણ અમદાવાદના આંગણે યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવે છે. એટલું જ નહીં ઉતરાયણ માટે માંજો ઘસવા માટે યૂપી-બિહાર અને બંગાળ સહિતના રાજ્યોમાંથી કારીગરો અહીં આવી જતા હોય છે. ત્યારે આ વખતે દોરી-પતંગની રંગત પતંગ રસિયાઓના ખિસ્સા પર વધારે ભાર આપશે. એટલેકે, આ વખતે ઉતરાયણ પહેલાં કરતા મોંઘી થશે. વધતી મોંઘવારીની અસર હવે ઉતરાયણના પર્વ પર પણ જોવા મળશે.
ઉતરાયણ નજીક આવતા પતંગ સહિત દોરીની કિંમતમાં વધારો થઈ જાય છે. ૨૦ રૂપિયા પ્રતિવારને બદલે હવે ૫૦ રૂપિયા પ્રતિવાર દોરી ઘસવાનો ભાવ જઈ પહોંચ્યો છે. સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કારીગરો દોરી ઘસતા હોય છે. લૂગદીમાં ભાત, કાચ અને રંગ મિક્સ કરીને દોરી ઘસવામાં આવે છે. દોરી ઘસતા ઘસતા આંગળીઓમાં કાચ વાગવાને કારણે જમવા માટે ચમચીનો ઉપયોગ કરવો પડે છે. આમ દોરી ઘસતા કારીગરોએ પણ આ કારણસર પોતાનું મહેનતાણું વધારી દીધું છે. ઉતરાયણ અન્ય રાજ્યોના કારીગરો માટે રોજગારીની તક સાબિત થાય છે, જેમ જેમ ઉતરાયણ નજીક આવશે તેમ દોરી અને પતંગ મોંઘા થશે. હાલ ૫૦ રૂપિયામાં ઘસાતી દોરી, ઉતરાયણ આવતા સુધીમાં પ્રતિવાર ૧૦૦ રૂપિયા સુધી જઈ પહોંચશે
ઉતરાયણ આવે એના બે મહિના પહેલાથી જ દેશના જુદા જુદા ભાગોમાંથી અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર દોરી ઘસવા માટે કારીગરો આવી પહોંચતા હોય છે. બંગાળ, યુપી જેવા રાજ્યોનાં અનેક કારીગરો માટે નવેમ્બર મહિનાથી ઉતરાયણ સુધી ગુજરાત નવું ઘર બની જતું હોય છે. દોરી ઘસતા કારીગરો વહેલી સવારે ૬ વાગ્યાથી દોરી ઘસવાનું શરૂ કરતાં હોય છે અને રાત્રે ૧૦ વાગ્યા સુધી દોરી ઘસવાનું કામ સતત ચાલતું રહે છે. દિવાળી પહેલા ૧ હજાર વાર દોરી જે ૨૦ રૂપિયામાં ઘસવામાં આવતી હતી એની કિંમત ઉતરાયણ નજીક આવતા વધતી જઈ રહી છે. હાલ દોરી ઘસાવવું પ્રતીવાર ૫૦ રૂપિયા જઈ પહોંચ્યું છે. ઉતરાયણ જેમ જેમ હજુ નજીક આવશે, દોરી ઘસાવું ૧૦૦ રૂપિયા સુધી જઈ પહોંચતું હોય છે. અનેક પતંગરસિયાઓ દોરીને મજબૂત બનાવવા માટે જુદી જુદી વસ્તુઓ દોરીમાં મિક્સ કરાવતા હોય છે. બંગાળથી આવેલા કારીગરોએ કહ્યું કે દોરી ઘસવા માટે લૂગદી બનાવવામાં આવતી હોય છે એમાં સામાન્ય રીતે તેઓ ભાત, રંગ, કાચ નાખતા હોય છે આ સાથે જ ગ્રાહક કોઈ ખાસ વસ્તુ નાખવાનો આગ્રહ કરે તો તે પણ તેઓ ઉમેરતા હોય છે. જો કે બંગાળથી આવેલા અને છેલ્લા અનેક વર્ષોથી દોરી ઘસવાનું કામ કરતા કારીગરો કહે છે કે, દોરી ઘસવાની કિંમત જેમ જેમ ઉતરાયણ આવશે તેમ તેમ વધતી જશે. પરંતુ ઉતરાયણના બે મહિના પહેલાથી દોરી ઘસતા ઘસતા તેમના હાથની આંગળીઓ સીધી થતી નથી હોતી. આંગળીઓની સુરક્ષા માટે ટેપ લગાવી હોવા છતાં કાચ હાથમાં વાગતા હોય છે. જમવા માટે પણ ચમચીનો ઉપયોગ કરવો પડતો હોય છે.