સાઓ પાઉલો,
ઓલ ટાઈમ ગ્રેટ ફૂટબોલ ખેલાડી પેલેની હાલત ગંભીર છે. બ્રાઝિલનો મહાન ફૂટબોલર હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે. તેમને સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સતત બગડી રહી છે અને તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે.
કેન્સર સામે લડી રહેલા ૮૨ વર્ષીય દિગ્ગજ ફૂટબોલરને જોવા માટે નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. રવિવારે તેમનો પરિવારે હોસ્પિટલમાં જ ક્રિસમસની ઉજવણી કરી હતી. રવિવારે સવારે તેમની પુત્રી, કેલી નેસિમેન્ટોએ ઇન્સ્ટા પર એક કુટુંબનો ફોટો પોસ્ટ કર્યો. તેણે ૩ કલાક પહેલાં તેની ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું- ’કૃતજ્ઞતા, પ્રેમ, પારિવારિક એક્તા… એ જ નાતાલનો સાર છે. તમે ક્રિસમસ પર મોકલેલા પ્રેમ બદલ ધન્યવાદ…આભાર અને પ્રેમ. આ મજેદાર અને અદ્ભુત જીવનમાં હું તેમના (પેલે) વિના કંઈપણ નથી. આજે અને હંમેશા, મેરી ક્રિસમસ.’ જ્યારે, પુત્ર એડિન્હોએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટમાં લખ્યું- ’પપ્પા… તમે મારી તાકાત છો.’ પેલેનો પુત્ર એડસન ચોલ્બી શનિવારે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે એડિન્હો તરીકે ઓળખાય છે. પેલેની પુત્રી કેલી નેસિમેન્ટો પણ હોસ્પિટલમાં છે.
પેલેને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ધીમે-ધીમે તેમની તબિયત બગડવા લાગી હતી. તેઓ હજુ બહાર આવ્યા નથી. પેલેને હૃદય બાબતની સમસ્યા હતી. તેમના તબીબી સ્ટાફે ચિંતા વ્યક્ત કરી, કારણ કે તેમની કીમોથેરાપી સારવાર સારી રીતે પ્રતિસાદ આપી રહી ન હતી. સપ્ટેમ્બર ૨૦૨૧માં તેમનું કોલોન ટ્યૂમર દૂર કરવામાં આવ્યું હતું. એ બાદ તેમની કીમોથેરાપી કરાઈ હતી. પેલે આ પહેલાં પણ ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થયા હતા.
ગયા દિવસોમાં ફિફા વર્લ્ડ કપની શરૂઆતમાં પેલેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેમણે સપોર્ટ આપવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો. પેલેએ પોતાના દેશ બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. તેમના નેતૃત્વમાં બ્રાઝિલે ૧૯૫૮, ૧૯૬૨ અને ૧૯૭૦માં વર્લ્ડ કપ જીત્યો હતો. ૧૯૫૮માં સુદાન સામે વિશ્ર્વ કપ ફાઇનલમાં બે ગોલ કર્યા હતા. પેલેએ તેની પ્રોફેશનલ કારકિર્દીમાં કુલ ૧૩૬૩ મેચ રમી અને ૧૨૮૧ ગોલ કર્યા છે. તેમણે બ્રાઝિલ માટે ૯૧ મેચમાં ૭૭ ગોલ કર્યા છે. પેલે ત્રણ વખત ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂક્યો છે. એક પછી એક ૧૯૫૮ અને ૧૯૬૨ અને પછી છેલ્લી વખત ૧૯૭૦ માં. અત્યારસુધી એના કરતાં વધુ વખત કોઈએ વર્લ્ડ કપ જીત્યો નથી. તેમણે કુલ ૪ વર્લ્ડ કપ રમ્યા હતા. એમાંથી ત્રણ જીત્યા. ત્રણ વર્લ્ડ કપ જીતનારા તેઓ એકમાત્ર ખેલાડી છે. તેમણે ૧૯૭૧માં બ્રાઝિલ નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લીધી.