
દાહોદ,
દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત કામગીરીએ વેગ પકડ્યો છે. ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા સ્થાનીક પોલીસને સાથે રાખી દાહોદ શહેરમાં ગેરકાયદે દબાણો જમાવી બેઠેલા વેપારીઓ સહિત સ્થાનીક લોકો સામે લાલ આંખ કરી દબાણો દુર કરવાની કામગીરી કરાતાં શહેરમાં ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદ સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચુંટણી પુર્ણ થયા બાદ દાહોદ સ્માર્ટ સીટીની કામગીરીએ વેગ પકડ્યો છે. થોડા દિવસો પુર્વે દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલ રાત્રી બજાર ખાતેની ફુડ કોર્ટ દુકાનોને તંત્ર દ્વારા ખાલી કરી દેવાના આદેશો સાથે તમામ 20 દુકાનો ખાલી કરી નાંખવામાં આવી હતી. દાહોદ શહેરમાં નવીન રસ્તાઓની કામગીરી પણ ચાલી રહી છે. પાર્કિંગની સમસ્યાને નિવારવામાં માટે ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરાતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં ભુગર્ભ ગટરની કામગીરી માટે ગુજરાત સરકારની એક સર્વે ટીમ પણ દાહોદ આવવાની હોય તંત્ર દ્વારા દાહોદ શહેરવાસીઓને આ ટીમને સાથ અને સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે. દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર, દાહોદ જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય દ્વારા દાહોદ શહેરમાં આવેલ બે રસ્તાઓની મુલાકાત કરી ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ દાહોદ શહેરમાં ગેરકાયદે દબાણો કરી બેઠેલા વેપારીઓ તેમજ સ્થાનીક રહીશો સામે પાલિકા તંત્રએ સ્થાનીક પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતાં ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.