દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, રાજસ્થાન, દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ, જનજીવન ઠઠુંવાયું

નવીદિલ્હી,

પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં અચાનક વધારો થયો છે. સાંજથી જ દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, યુપીમાં જોરદાર પવનો ફૂંકાવા લાગ્યા હતા, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. સાથે જ સવારે ધુમ્મસના કારણે વાહનવ્યવહારને પણ ભારે અસર થઈ છે. રાજધાનીમાં વિઝિબિલિટી ૧૦૦ મીટર રહી હતી. વેધર વેબસાઈટ મુજબ આજે લઘુત્તમ તાપમાન ઘટીને ૪ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. જ્યારે શનિવારે એટલે કે એક દિવસ પહેલા પાંચ ડિગ્રી તાપમાન હતું.

હવામાન વિભાગે શનિવારે મોડી રાત્રે જારી કરાયેલા અહેવાલમાં ચેતવણી આપી છે કે રવિવાર અને સોમવાર (૨૫-૨૬) ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં મોટા ભાગના સ્થળોએ ઠંડીનું મોજું રહેશે. બે દિવસમાં તાપમાનનો પારો ૪ ડિગ્રી સુધી નીચે આવી શકે છે.આઇએમડીએ ૩૦ ડિસેમ્બર સુધી હવામાનની આગાહી પણ જારી કરી છે પરંતુ બે દિવસ સુધી વધુ સાવધ રહેવું પડશે.આઇએમડી વેધર અનુસાર, ૨૫ ડિસેમ્બરે આકાશ આંશિક વાદળછાયું રહેશે. સવારે ધુમ્મસ રહી શકે છે. રાજધાનીમાં મોટાભાગના સ્થળોએ કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. તેવી જ રીતે ૨૬ ડિસેમ્બરે આકાશ સ્વચ્છ રહેશે.આઇએમડીએ જણાવ્યું કે પંજાબ, ઉત્તર રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના આકાશમાં ધુમ્મસનું ગાઢ પડ દેખાયું. તે જ સમયે, બિહારના કેટલાક ભાગોમાં ધુમ્મસ રહ્યું, જ્યારે ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગો ધુમ્મસ મુક્ત રહ્યા. કાશ્મીરમાં ઠંડી વધી રહી છે અને ખીણના મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન (-૫.૪) ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમણે કહ્યું કે વાર્ષિક અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પ પહેલગામમાં -૬.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પંજાબ અને હરિયાણામાં ઠંડી હતી અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ આ સીઝનનું સૌથી નીચું તાપમાન ૨.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે પ્રદેશનું સૌથી ઠંડું સ્થળ હતું. શનિવારે સવારે, ગાઢ ધુમ્મસ બંને રાજ્યોના ઘણા ભાગોને ઘેરી વળ્યું હતું, જેનાથી દૃશ્યતા ઓછી થઈ હતી. પંજાબના ભટિંડામાં લઘુત્તમ તાપમાન ૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગના અહેવાલ મુજબ, અમૃતસરમાં છ ડિગ્રી સેલ્સિયસ, લુધિયાણા, પટિયાલા, પઠાણકોટ, ગુરદાસપુર અને ફરીદકોટમાં અનુક્રમે ૫.૯, ૪.૮, ૭.૭, ૪.૯ અને ૫.૩ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.