- વર્ષ ૨૦૨૨માં દેશની જનતાની તાકાત તેમની સફળતાની હદ એટલી બધી હતી કે ’મન કી બાત’માં દરેકને સામેલ કરવું મુશ્કેલ હશે.
નવીદિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી છે. આજે ૯૬મો એપિસોડ હતો. મન કી બાતની શરૂઆતમાં પીએમ મોદીએ ભારતની પ્રગતિ વિશે વાત કરી અને જી-૨૦ જૂથની અધ્યક્ષતાની જવાબદારી મળવા પર ગર્વ પણ વ્યક્ત કર્યો. પીએમએ કહ્યું કે, વર્ષ ૨૦૨૨માં દેશની જનતાની તાકાત, તેમનો સહયોગ, તેમનો સંકલ્પ, તેમની સફળતાની હદ એટલી બધી હતી કે ’મન કી બાત’માં દરેકને સામેલ કરવું મુશ્કેલ હશે. ૨૦૨૨ ખરેખર ઘણી રીતે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું છે, અદ્ભુત. આ વર્ષે ભારતે તેની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા અને આ વર્ષે અમૃતકાલની શરૂઆત થઈ. આ વર્ષે દેશને નવી ગતિ મળી, તમામ દેશવાસીઓએ એકથી એક ચઢિયાતું કામ કર્યું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ગુજરાતનો માધોપુર મેળો હોય કે જ્યાં રુક્મિણી વિવાહ હોય અને પૂર્વોત્તર સાથે ભગવાન કૃષ્ણના સંબંધની ઉજવણી થાય કે કાશી-તમિલ સંગમમ, આ તહેવારોમાં એક્તાના અનેક રંગો જોવા મળ્યા. આ બધાની સાથે સાથે વર્ષ ૨૦૨૨ બીજા એક કારણ માટે પણ યાદ કરવામાં આવશે. એટલે કે ’એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું વિસ્તરણ. દેશના લોકોએ અનેક રીતે એક્તા અને એક્તાની ઉજવણી કરી.
પીએમ મોદીએ કહ્યું કે વર્ષ ૨૦૨૨માં દેશવાસીઓએ વધુ એક અમર ઈતિહાસ લખ્યો છે. ઓગસ્ટ મહિનામાં ’હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે. તે ક્ષણ હતી જ્યારે દરેક દેશવાસીઓ ઉત્સાહથી આ અભિયાનમાં ભાગ લીધો હતો. આઝાદીના ૭૫ વર્ષના આ અભિયાનમાં આખો દેશ ત્રિરંગામય બની ગયો હતો. ૬ કરોડથી વધુ લોકોએ તિરંગા સાથે સેલ્ફી મોકલી હતી. આઝાદીનો આ અમૃત મહોત્સવ આવતા વર્ષે પણ એ જ રીતે ચાલુ રહેશે તે અમૃત કાલના પાયાને વધુ મજબૂત કરશે. જી-૨૦ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારતને જી-૨૦ ગ્રુપની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં છેલ્લી વખતે પણ આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ ૨૦૨૩ માં આપણે જી-૨૦ ના ઉત્સાહને નવી ઊંચાઈએ લઈ જઈને આ ઈવેન્ટને જન ચળવળ બનાવવાની છે. પીએમએ કહ્યું, મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્ર્વમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોને યાદ કરવાનો દિવસ છે. હું તમને બધાને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવું છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણનો ખતરો તોળાઈ રહ્યો છે. તેમની મન કી બાતમાં વડાપ્રધાને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી હતી. તેમણે માસ્ક લગાવવા અને સાવચેતી રાખવાની સલાહ આપી. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું, અમે જોઈ રહ્યા છીએ કે વિશ્ર્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. આપણે સાવચેત રહેવાની, માસ્ક પહેરવાની અને હાથ ધોવાની જરૂર છે.