દેશ ચોક્કસપણે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે,પરંતુ દેશ છોડવાથી નફરત દૂર નહીં થાય.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ રાજદના નેતા અબ્દુલ બારી સિદ્દીકીના નિવેદન પર પ્રતિક્રિયા આપી.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ રાજદના નેતા અબ્દુલ બારી સિદ્દીકીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દેશ ચોક્કસપણે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, નફરત વધી છે, પરંતુ દેશ છોડવાથી નફરત દૂર નહીં થાય. દેશમાં રહીને જ નફરતને દૂર કરવી પડશે. બધા લોકો ખરાબ નથી હોતા. સારા લોકોની પણ મોટી સંખ્યા છે.

રાજદના સીનિયર લીડર અબ્દુલ બારી સિદ્દીકીએ ૧૦-૧૨ દિવસ પહેલા પટનામાં આયોજિત કાર્યક્રમમાં મુસ્લિમોની પરિસ્થિતિ પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, મારા પુત્ર હાવર્ડમાં ભણે છે. પુત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પાસ આઉટ છે.

સિદ્દીકીએ કહ્યું- અમે અમારા દીકરા-દીકરીઓને ત્યાં જ નોકરી કરવાનું કહ્યું છે. ત્યાંની સિટિઝનશિપ મળે તો લઈ લો. હવે ભારતમાં સહન ન કરી શકાય એવો માહોલ છે. તમે જ કહો કે મેં મારા બાળકોનો આ વાતો કેટલી પીડા સાથે કહી છે કે તેઓ તેમની માતૃભૂમિ છોડી દે. કેવો સમય આવી ગયો છે.

ફારુકે કહ્યું કે શાહરૂખ ખાનની નવી ફિલ્મ (પઠાણ)માં ભગવા રંગના કપડાં પહેરવાને કારણે વિવાદ થયો. શું આનો અર્થ એ છે કે ભગવો હિન્દુ રંગ છે અને લીલો મુસ્લિમ રંગ છે? આ શું છે? ગાય હિન્દુઓની અને બળદ મુસલમાનોની? તેમણે કહ્યું કે જો આ દેશને બચાવવો છે તો તે મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય આપણે બધાએ ભાઈચારાથી સાથે રહેવું પડશે. રામરાજ્ય પણ એવું જ હતું જ્યા બધા સમાન હોય. કોઈ દેશવાસી પાછળ રહી જાય તો દેશ મજબૂત બની શક્તો નથી.

જમ્મુ-કાશ્મીરના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારૂકે પણ કેન્દ્ર પર નિશાન સાયું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાથી આતંકવાદનો અંક આવશે. તેને હટાવ્યાને કેટલા વર્ષો થયા છે? શું ખીણમાં આતંકવાદનો અંત થઈ ગયો છે? આ પહેલા ફારુકે ચીનને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ ૧૯૬૨નું ભારત નથી. અમે બંગડીઓ પહેરી નથી. ચીનને તેની ભાષામાં જવાબ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૯ ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીન અને ભારતીય સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.