રાજકોટમાં લગ્નના સાત મહિના બાદ જ પતિના કાળા કારસ્તાનથી કંટાળી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

રાજકોટ,

રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગર્ભવતી પરણીતાએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાને ઘટના સામે આવી છે. પરિણીતાએ ૭ માસ પૂર્વે જ લગ્ન કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ આપઘાત કરતા પૂર્વે પરિણીતાએ ચિઠ્ઠી લખી આપઘાતનું કારણ જણાવ્યું છે કે, મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે માટે હું આ પગલું ભરી રહી છું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ૨ પાસે આવેલા એક્તા નગરમાં રહેતી જયશ્રીબેન દાફડા નામની પરિણીતાએ રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે બેભાન હાલતમાં તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. ત્યારે સમગ્ર મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા સંબંધિત સ્થાનિક પોલીસને બનાવો અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક પરિણીતાના લગ્ન નયન નામના વ્યક્તિ સાથે સાત માસ પૂર્વે થયા હતા. પરિણીતા એ ગઈકાલે જામનગર રહેતા પોતાના માવતરને ફોન કરીને વાત કરી હતી કે, સંક્રાતે તમે ઘરે આટો મારવા આવો ત્યારે ટીવી લેતા આવજો. ત્યારે દીકરીએ છેલ્લો ફોન કર્યો ત્યારે પરિવારજનોને દીકરી નિરાશ હોય તેવું નહોતું લાગી રહ્યું.

બનાવ અંગે પરિણીતાના માવતર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પરિણીતાને તેનો પતિ માનસિક ત્રાસ આપતો હતો. જેના કારણે તેને આ પ્રકારનું પગલું ભરી લીધું છે. તો બીજી તરફ પરિણીતાના ઘરમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેણીએ લખ્યું છે કે મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે હું આ પગલું ભરી રહી છું. ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે પરિણીતાના પિયર પક્ષના વ્યક્તિઓના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.