જગન્નાથ પૂરી મંદિરના 351 સેવાદાર અને 53 કર્મીઓને કોરોના

ઓરિસ્સાના જગન્નાથપુરી મંદિરમાં 351 સેવાદાર અને 53 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આટલી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ મળી આવતાં શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્ર દ્વારા મંદિરનું સેનિટાઈઝેશન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

શ્રી જગન્નાથ મંદિરના વહીવટદાર અજય જેનાએ જણાવ્યું કે 12મી શતાબ્દીના મંદિરમાં કુલ 404 લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં સેવાદારો અને કર્મચારીઓની અનુપસ્થિતિ છતાં કામ અને ભગવાન જગન્નાથનું અનુષ્ઠાન યથાવત છે પરંતુ થોડી સમસ્યાઓ આવી રહી છે.

કોવિડ-19ને કારણે માર્ચમાં કરવામાં આવેલા લોકડાઉન બાદ જગન્નાથ મંદિર બંધ કરી દેવાયું હતું. અત્યાર સુધી તેને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું નથી. અધિકારીએ કહ્યું કે મોટાભાગના સેવક જેમને સંક્રમણ થયું છે તે તમામને હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. તેમના હોમ હાઈસોલેશન થયા બાદ મંદિરમાં પૂજા-પાઠ અને અનુષ્ઠાનના જાણકારોમાં ઘટાડો નોંધાયો છે.

અહીં દરરોજ ઓછામાં ઓછા 13 પૂજારી એક સાથે ગ્રુપમાં ભગવાન બાલભદ્ર, દેવી શુભદ્રા અને ભગવાન જગન્નાથનું અનુષ્ઠાન કરે છે એટલા માટે અન્ય સેવાદારો ઉપરાંત 39 પૂજારીઓની ઉપસ્થિતિ દૈનિક અનુષ્ઠાન કરવા માટે જરૂરી હોય છે જેથી પૂજા વ્યવસ્થિત થઈ શકે.