
કાબુલ,
અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન મહિલાઓના અધિકારોનું બર્બરતાપૂર્વક દમન કરી રહ્યું છે. ગત વર્ષે ઓગસ્ટમાં તાલિબાને સત્તા પર કબજો કર્યા બાદથી જ શિક્ષણ, નોકરીઓ અને તેમની અવર-જવર પર પ્રતિબંધ મૂકીને મહિલાઓને ઘરોમાં કેદ કરવા માટે નિયમોમાં ફેરફાર શરૂ કરી દીધા હતા. દુનિયાને બતાવવા માટે પોતાના નિર્ણયો લાગુ કરવા તેણે મૌલવીઓની મદદ લીધી હતી.
મહિલાઓની સરકારી અને ખાનગી નોકરીઓ પર પ્રતિબંધ મૂકી દીધો. આગળ વધતી રોકવા તાલિબાની સુરક્ષાદળોએ મહિલાઓને ડરાવી, ધમકાવી, કસ્ટડીમાં લેવાથી લઈને અપહરણ પણ કર્યાં. અફઘાનિસ્તાનની મહિલા અધિકાર કાર્યકર ખદીજા અહેમદીએ કહ્યું કે તાલિબાને મહિલાઓને જજ કે વકીલ તરીકે કોર્ટમાં કામ કરતા અટકાવી દીધી છે. સત્તા પચાવી પાડતા પહેલાં અફઘાનમાં લગભગ ૩૦૦ મહિલા જજ હતી. તાલિબાનને કારણે આ બધાએ દેશ છોડવો પડ્યો.
ખદીજા કહે છે કે તાલિબાનનું વલણ મહિલાઓવિરોધી જ રહ્યું છે. તાલિબાન મહિલાઓને દ્વિતીય દરજ્જાના નાગરિક તરીકે સ્થાપિત કરવા માગે છે. ખાસ કરીને યુવા પુરુષો અને છોકરાઓને વર્ચસ્વવાદી અને મહિલાઓને ઘર અને પોતાના કામમાં ઉપયોગની વસ્તુ બનાવી દેવા માગે છે. પ્રતિબંધોને કારણે હજારો પરિવાર મહિલાઓને લઈને પાકિસ્તાન, ઈરાન અને તૂર્કી જેવા પાડોશી દેશોમાં જતા રહ્યા છે. પાકિસ્તાન એ દેશોમાં ટોચે છે જ્યાં તાજેતરના મહિનાઓમાં મોટી સંખ્યામાં અફઘાની શરણાર્થી પહોંચ્યા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે પાકિસ્તાનમાં ભણી રહ્યા છે.
તાલિબાને છોકરીઓના યુનિવસટીમાં ભણવા પર રોક લગાવ્યા બાદ હવે મહિલાઓને સંપૂર્ણપણે શિક્ષણથી દૂર કરતું પગલું ભર્યું છે. વૉલસ્ટ્રીટ જર્નલ અનુસાર તાલિબાને છોકરીઓના પ્રાથમિક સ્કૂલોમાં જવા પર રોક લગાવી દીધી છે. શિક્ષકોને કહ્યું છે કે તે હવે કોઈ પણ વયની છોકરીઓને નહીં ભણાવી શકે. શિક્ષણ મંત્રાલય અને શરિયા કાયદો લાગુ કરનાર મંત્રાલયના અધિકારીઓની કાબુલમાં યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.
રિપોર્ટમાં કહેવાયું છે કે તાલિબાને વધુ એક કડકાઈ કરી છે. તેણે પુખ્ત મહિલાઓના મસ્જિદોમાં પ્રવેશ પર બૅન મૂકી દીધો છે. મહિલા અધિકાર કાર્યકર ખદીજા કહે છે કે તાલિબાન આવ્યા બાદથી અફઘાનમાં જે સુધારા ૨૦ વર્ષમાં થયા હતા હવે તેના પર અંકુશ લાગી ગયો છે. તેના એક દિવસ પહેલાં જ છોકરીઓને યુનિવસટીમાં ભણતી રોકવાના આદેશ વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો થયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓએ કંધાર અને જલાલાબાદમાં દેખાવો કર્યા હતા.