શહેરા બોરડી ગામે તબેલા પાસે સુકા ધાસમાં આગ લાગતાં 15 પશુઓ બચાવી લેવાયા જ્યારે ધાસની ગાંંસડીઓ બળી જતાં નુકશાન

શહેરા,

શહેરા તાલુકાના બોરડી ગામના અંબે માતાજીના મંદિરની પાછળ આવેલા એક રહેણાંક મકાન પાસેના પશુઓ બાંધેલા તબેલામાં સૂકા ઘાસમાં ઓચિંતી આગ લાગી હતી. સ્થાનિક લોકો તેમજ શહેરા અને લુણાવાડા નગર પાલિકાના ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો શરૂ કરતા ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવવા સાથે 15 જેટલા પશુઓનો આબાદ બચાવ થયો હતો. ગ્રામ પંચાયતના તલાટી અલ્પેશ પટેલ સમક્ષ તબેલા માલિકે 3,000 સૂકા ઘાસની ગાંસડિઓ તેમજ લોખંડના પતરા મળીને રૂપિયા ત્રણ લાખ કરતા વધુ નુકશાન આ આગની ઘટનામાં થયું હોવાનું જણાવ્યું હતું.

શહેરા તાલુકાના બોરડી ગામના અંબે માતાજીના મંદિર પાછળ રહેતા દિલીપભાઇ શાંતિલાલ પટેલના પશુઓ બાંધવાના તબેલામાં કોઈ કારણસર આગ લાગી હતી. અહીં સુકુ ઘાસની અંદર આગ લાગતા તે સમયે અફરા તફરીનો માહોલ સર્જાવા સાથે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળતા ફળિયાના રહીશો દોડી આવ્યા હતા. જ્યારે જાગૃત નાગરીક દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવા સાથે સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો શરૂ કરી દેવા સાથે અંદર બાંધેલા તમામ પશુઓને બચાવી લઈને ખુલ્લી જગ્યામાં લઈ જવામાં આવ્યા હતા. આગ લાગેલ જગ્યાએ અંદર સૂકા ધાસની ગાંસડીઓ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અન્ય જગ્યાએ આગ લાગી શકે તેવી શક્યતા જોવાઇ રહી હતી.આગ લાગેલા સ્થળ ખાતે લુણાવાડા અને શહેરા નગર પાલિકાનું ફાયર ફાઇટર આવી જતા ઇન્ચાર્જ ફાયર ઓફિસર જીતેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મહેશ સોલંકી સહિત સ્ટાફ એ પાણીનો મારો શરૂ કરતાં ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોક,ે રહેણાંક વિસ્તારમાં પશુ બાંધવાના તબેલામાં આગ લાગવાના કારણે સૂકા ઘાસની ગાંસડીઓ સહિત અન્ય ચીજ વસ્તુઓને નુકશાન થતા ખેડૂત પરિવાર ભારે ચિંતિત થયો હતો. ગ્રામ પંચાયતના તલાટી અલ્પેશ પટેલ સ્થળ ખાતે પહોંચી જઈને પંચકેસ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે તબેલા માલિક દિલીપ પટેલ એ તલાટી કમ મંત્રી અલ્પેશ પટેલ સમક્ષ તબેલામાં આગ લાગવાથી 3,000 સૂકા ઘાસની ગાંસડિઓ અને લોખંડના પતરા સહિત અન્ય ચીજ વસ્તુઓ મળીને ત્રણ લાખથી વધુનુ નુકશાન થયુ હોવાનું જણાવ્યું હતું. પતરાવાળા પશુ બાધવાના તબેલામાં કયા કારણસર આગ લાગલ તેનું કારણ જાણી શકાયું ન હોય પણ ઓચિંતી અહીં લાગેલી આગના કારણે ભલે નુકશાન થયુ હોય પણ 15 જેટલા પશુઓનો આબાદ બચાવ પણ થયો હતો. સંબંધિત તંત્ર દ્વારા મળવાપાત્ર સહાય ખેડૂત પરીવારને વહેલી તકે મળે તેવી કાર્યવાહી હાથ ધરે તે પણ જરૂરી છે.