ઈશાન એકદમ થાકી ગયો હોવાને કારણે સુપરઓવરમાં બેટિંગ ન આપી: રોહિત

નખ કરડી ખાય તેવા મુંબઈ-બેંગ્લોર વચ્ચેના રોમાંચક મુકાબલામાં ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને બેંગ્લોરે આગેકૂચ કરી છે. બેંગ્લોરના બેટધર પડ્ડીકલ, આરોન ફિન્ચ અને ડિવિલિયર્સની શાનદાર ફિફટી તેમજ શિવમ દુબેના અણનમ 27 રનની મદદથી 20 ઓવરમાં બેંગ્લોરે 3 વિકેટે 201 રન બનાવ્યા હતા.

બીજી બાજુ મુંબઈ વતી ઈશાન કિશને 99 અને કિરોન પોલાર્ડે અણનમ 60 રનની ઈનિંગથી 20 ઓવરમાં પાંચ વિકેટે 201 રન બનાવતાં મેચ ટાઈ થઈ હતી. જો કે સુપર ઓવરમાં ઈશાન કિશનને શા માટે બેટિંગ કરવાની તક આપવામાં ન આવી તેવો સવાલ ઉઠતાં રોહિત શર્માએ તેનું કારણ બતાવ્યું છે. મેચ બાદ રોહિત શર્માએ પોતાની આ હાર પર વિસ્તૃત વાત કરતાં કહ્યું કે આ મેચ શાનદાર હતો. જ્યારે અમે બેટિંગ શરૂ કરી ત્યારે અમે બિલકુલ પણ મેચ જીતી જશું તેવું લાગતું નહોતું પરંતુ મને લાગતું હતું કે અમારી પાસે જે બેટિંગપાવર છે તેનાથી અમે 200 રનનો પીછો કરી શકીએ છીએ. પોલાર્ડ જ્યાં સુધી છે ત્યાં સુધી કંઈ પણ થઈ શકે છે, ઈશાન પણ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. અમે ઈશાનને સુપર ઓવરમાં બેટિંગ કરવા એટલા માટે ન મોકલ્યો કેમ કે તે અત્યંત થાકી ગયો હતો. સુપરઓવરમાં અમે સાત રન બનાવ્યા હતા પરંતુ હરિફ ટીમ માટે તે અત્યંત આસાન હતા. અમે સુપર ઓવરમાં વિકેટ મેળવવા પ્રયાસ કર્યો પરંતુ દુર્ભાગ્યથી એક ચોગ્ગો ચાલ્યો ગયો હતો અને અમારે પરાજય જોવો પડ્યો છે.