નવીદિલ્હી,
દેશનાં ઉતરભારતના રાજયોમાં શિયાળો જામવા લાગ્યો છે અને ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાશ્મીર, હિમાચલ જેવા રાજયોમાં તાપમાનનો પારો માઈનસમાં સરકી ગયો છે અને અન્ય રાજયોમાં પણ સીંગલ ડીઝીટમાં આવી ગયો છે.હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે પાટનગર દિલ્હીમાં સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી અને તાપમાનનો પારો ૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો.
બીજી તરફ હિમાચલ પ્રદેશના સીમલામાં તાપમાન માઈનસ બે ડીગ્રી નોંધાયું હતું. કાશ્મીરના શ્રીનગરમાં પણ તાપમાન માઈનસ બે ડીગ્રી હતું ત્યાં રાતનું તાપમાન માઈનસ ૬.૨ ડીગ્રી નોંધાયું હતું.
ઉતરાખંડમાં મસુરીમાં તાપમાન માઈનસ ચાર ડીગ્રી નોંધાયું હતું. દહેરાદૂનમાં સાત ડીગ્રી, લખનઉમાં દશ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. કાશ્મીરના પહેલગામ સહિતના સ્થાનોમાં તાપમાનમાં સડસડાટ ઘટાડો થયો છે. પહેલગામમાં તાપમાન માઈનસ ૬.૨ ડીગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કાશ્મીરમાં કાતિલ હિમવર્ષા શરુ થવાની શકયતા છે. પંજાબ, હરીયાણા, ઉતરપ્રદેશ જેવા રાજયોમાં પણ તાપમાનનો પારો નીચે સરકયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભારતમાં આવતીકાલથી કોલ્ડવેવનો પ્રકોપ સર્જાવવાની શકયતા છે. આવતા પાંચ દિવસ સુધી દિલ્હી, હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉતરાખંડ તથા ઉતરીય રાજસ્થાનમાં શીતલહેરની અસર જોવા મળી શકે તેમ છે. સવારે પવનની ગતિમાં પણ વધારો થવાની શકયતા છે.
બીજી તરફ આંદામાન-નિકોબારમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત કેરળ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ તથા ઓડીશા અને મહારાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.