
ઢાકા,
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લેદેશની ટીમ ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ૨૨૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે ૧૯ રન બનાવી લીધા છે. શુભમન ગિલ (૧૪) અને કેએલ રાહુલ (૩) રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે.
બાંગ્લાદેશ માટે મોમિનુલ હકે સર્વાધિક ૮૪ રન બનાવ્યા હતા. ભારતે છેલ્લા સત્રમાં પાંચ વિકેટ ઝડપી હતી. ભારત માટે ઉમેશ યાદવ અને આર અશ્ર્વિને ચાર-ચાર વિકેટ લીધી હતી. જ્યારે ૧૨ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહેલા જયદેવ ઉનડકટને બે સફળતા મળી હતી.
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ડિસેમ્બર ૨૦૧૦માં સેન્ચુરિયનમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યા બાદ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઉનડકટે બે મેચોની વચ્ચે ૧૧૮ મેચમાં બહાર રહેવાનો નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો. આ ડાબા હાથના ફાસ્ટ બોલરે બાંગ્લાદેશના બેટરો માટે મુશ્કેલી ઉભી કરી અને પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર ઝાકિર હસન (૧૫) ની વિકેટ ઝડપી હતી. તેણે બીજા સત્રમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કરી મુશફિકુર રહીમ (૨૬) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
સવારના સત્રમાં નઝમુલ હુસૈન શાન્ટો (૨૪) ને આઉટ કરનાર અશ્ર્વિને લંચ બાદ લિટન દાસ (૨૫) ને આઉટ કર્યો હતો. પરંતુ મોમિનુલે એક છેડો સાચવી રાખ્યો અને તે ૧૨ ચોગ્ગા અને એક સિક્સ સાથે ૮૪ રન બનાવી આઉટ થયો હતો. આ ટેસ્ટ ક્રિકેટમાં તેની ૧૬મી અડધી સદી હતી. લંચ બાદ બાંગ્લાદેશને પ્રથમ ઓવરમાં શાકિબના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ઉમેશ યાદવે શાકિબ (૧૬) ને આઉટ કર્યો હતો.
ઉનડકટે રહીમને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. લિટન દાસે આક્રમક અંદાજમાં બેટિંગ કરી અને બે ફોર તથા એક સિક્સ ફટકારી હતી. પરંતુ તેને આર અશ્ર્વિને આઉટ કર્યો હતો.