જયાપ્રદા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી

લખનૌ,

રામપુરની વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે ચૂંટણી આચાર સંહિતા ભંગના બે કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેવા બદલ અભિનેત્રી અને રામપુરના પૂર્વ સાંસદ જયાપ્રદા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. રામપુરના સરકારી વકીલ અમરનાથ તિવારીએ જણાવ્યું કે સુનાવણી દરમિયાન પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદાની સતત ગેરહાજરીથી કોર્ટ ખૂબ જ નારાજ છે.

આ કારણોસર કોર્ટે પૂર્વ સાંસદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમણે જણાવ્યું કે મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટે રામપુરના પોલીસ અધિક્ષકને જયાપ્રદાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં સુનાવણીની આગામી તારીખ ૯ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૯માં પૂર્વ સાંસદ જયાપ્રદા વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતા ભંગના બે અલગ-અલગ કેસ નોંધાયા હતા. પહેલો કેસ ૧૮ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ રામપુરના કેમરી પોલીસ સ્ટેશન વિસ્તારના પિપરિયા મિશ્રા ગામમાં યોજાયેલી જાહેર સભામાં નોંધવામાં આવ્યો હતો, જે વીડિયો સર્વેલન્સ ટીમના ઈન્ચાર્જ કુલદીપ ભટનાગર દ્વારા નોંધવામાં આવ્યો હતો. બીજો કેસ ૧૯ એપ્રિલ ૨૦૧૯ ના રોજ લાઈંગ સ્ક્વોડ મેજિસ્ટ્રેટ નીરજ કુમાર દ્વારા નોંધવામાં આવ્યો હતો જ્યારે સ્વાર પોલીસ સ્ટેશન વિસ્તારના નૂરપુર ગામમાં એક રસ્તાના ઉદ્ઘાટનનો વીડિયો વાયરલ થયો હતો.

કેસની સુનાવણી દરમિયાન હાજર ન થવાને કારણે કોર્ટે વોરંટ જારી કર્યું છે. કોર્ટે પોલીસને પૂર્વ સાંસદને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આચારસંહિતા ભંગના કેસમાં બહુજન સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અલી યુસુફ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજય કપૂરને પણ આ જ કોર્ટે સજા ફટકારી હતી.