
અમદાવાદ,
મોરબી બ્રીજ દુર્ઘટના કેસ મામલે મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા મામલે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા અંગેની કામગીરી કરી રહી છે.
ઓક્ટોબર માસના અંતમાં મોરબીમાં આવેલા કેબલ બ્રિજ તૂટી પડવાના કારણે ૧૩૫થી વધુ લોકોના મોત થયા હતા અને આ ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂઓમોટો અરજી દાખલ કરી હતી. જેમાં કુલ છ પક્ષકારો રાખ્યા હતા. આ ઉપરાંત સંચાલન કરનાર ઓરેવા ગ્રુપને પણ પક્ષકાર તરીકે જોડવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન કરવામાં આવી હતી આ સિવિલ એપ્લિકેશન પર આજરોજ સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી અને સમગ્ર મામલે હવે આગામી ૧૯ જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.
મોરબી બ્રીજ દુર્ઘટના કેસ મામલે મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા મામલે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા અંગેની કામગીરી કરી રહી છે. ત્યારે આ સુનવણી દરમિયાન મોરબી નગરપાલિકાના ૪૬ ચૂંટાયેલા નગર સેવકો પણ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યા હતા. ૪૬ ચૂંટાયેલા નગર સેવકોએ કોર્ટમાં રજૂઆત કરી કે મોરબી નગરપાલિકાને સુપર સીડ કરતા પહેલા તેમની વાત સાંભળવામાં આવે, પરંતુ કોર્ટે તેમની માંગ ફગાવી દીધી છે. મહત્વનું છે કે આ તમામ નગર સેવકોએ બે દિવસ અગાઉ મુખ્યમંત્રીને મળીને પણ નગરપાલિકા સુપરસીડ ન કરવા અંગે રજૂઆત કરી હતી.
મોરબી કેબલ તૂટી પડવાના કેસમાં હાઇકોર્ટમાં ચાલતી પ્રક્રિયામાં અરજી અંતર્ગત અત્યાર સુધી કુલ ૬ પક્ષકારો હતા, પરંતુ હવે ઓરેવા ગ્રુપ પણ પક્ષકાર તરીકે જોડતા હવે કુલ સાત પક્ષકારો થયા છે. જેમાં રાજ્ય સરકાર, ગૃહ સચિવ, મ્યુનિસિપાલિટી કમિશનર, ચીફ ઓફિસર મોરબી, રાજ્ય માનવ અધિકાર આયોગ, મોરબી કલેકટર અને ઓરેવા ગ્રુપનો સમાવેશ થાય છે. આગામી ૧૯ જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
મહત્વનું છે કે, દિવાળી વેકેશન દરમિયાન ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મોરબીમાં આ મોટી દુર્ઘટના ઘટી હતી. મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી હતી. જેમાં અંદાજે ૧૩૫થી વધુ લોકોના મોત થયા હતા, આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર, ગૃહ વિભાગ સહિત જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી હતી.