કેજરીવાલે આપઁના ૫ ધારાસભ્યને અઢી કલાક સુધી ચેતવ્યા

  • લોભ કે લાલચમાં આવી પક્ષ છોડતા નહીં, ધારાસભ્ય ભૂપત ભાયાણી અંગે ખૂબ ચર્ચા થઈ.

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કરીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં સફળતા મેળવી લીધી છે, પરંતુ પાર્ટી માટે અત્યંત જરૂરી બની ગયું છે. પોતાના ધારાસભ્યો પાર્ટી સાથે વફાદાર રહે અને પક્ષપલટો કરે નહીં. તાજેતરમાં જ વિસાવદર વિધાનસભા બેઠક પર વિજેતા બનેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીની ઘટનાનો કડવો અનુભવ થયા બાદ આપના સંયોજક કેજરીવાલ સફાળા જાગ્યા અને તાબડતોબ પાંચેય ધારાસભ્યને દિલ્હી બોલાવીને વિશેષ ચર્ચા કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૩ ટકા જેટલો વોટ શેર મેળવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ ૪૧ લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. આ ઉપરાંત ૪૦ જેટલી વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી મત મેળવવામાં બીજા ક્રમે રહી હતી. પાર્ટીને મળેલા પ્રતિસાદ અને લોકોનો ઉત્સાહ જોઈને હવે આમ આદમી પાર્ટી જાણે ગેલમાં આવી ગઈ છે. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી હવે આગામી લોક્સભાની ચૂંટણી અંગે પણ તૈયારી કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પરિણામ જોઈને હવે આપ લોક્સભાની ૨૬ સીટ પર ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી જેવા સિનિયર નેતાની હાર થઈ છે. જોકે પાર્ટી હવે સંગઠન મજબૂત કરવા માટેની વ્યૂહરચના તૈયાર કરી રહી છે. આ અંગે આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલ ચૂંટાયેલા ૫ ધારાસભ્ય અને ગુજરાતના સિનિયર નેતાઓના મંતવ્ય માગ્યા હતા. તમામે પોતાના મંતવ્ય આપ્યા હતા. ગુજરાતમાં આપ સંગઠન મજબૂત કરવા ગુજરાતમાં ઝોન મુજબ મહામંત્રી કે ઉપપ્રમુખ અથવા કાર્યકારી પ્રમુખને નીમવામાં આવે. આ ઉપરાંત ઝોનવાઇઝ જવાબદારી સોંપવામાં આવશે તો સંગઠન વધારે મજબૂત થશે વગેરે જેવાં સૂચનો આપવામાં આવ્યાં હતાં. જોકે બેઠકમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા કે ઇસુદાન ગઢવીને કઈ ભૂમિકા આપવી એ બાબતે કોઈ ચર્ચા થઈ ન હતી, એમ બેઠકમાં હાજર ધારાસભ્યોએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીના ૫ ચૂંટાયેલા ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું? એ બાબતે તાલીમ આપવામાં આવી હતી. ૫ ધારાસભ્ય ૩ દિવસ સુધી દિલ્હી ખાતે રહ્યા હતા. આ સમય દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું એની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પંજાબ અને દિલ્હીના ચૂંટાયેલા ધારાસભ્યો કેવી રીતે કામ કરે છે એની માહિતી પણ આપવામાં આવી હતી. ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે ? એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાને વળગીને ધારાસભ્યને કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

દિલ્હી ખાતે આપના વિધાયકોની મળેલી બેઠકમાં આગામી લોક્સભા ચૂંટણી બાબતે પણ ચર્ચા થઈ હતી. ગુજરાતમાં આપ ૨૬ સીટ પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. આ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે લોકોએ આપ પર ભરોસો મૂકીને મત આપ્યા હતા અને ૫ ઉમેદવારને જિતાડ્યા છે. પ્રથમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જોઈને આગામી લોક્સભા ચૂંટણીની તૈયારીઓ કરવાનું હાઈ કમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તમામ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે એ માટેની ચર્ચા હાઈ કમાન્ડ સાથે થઈ છે. ગુજરાતમાં આપને વિધાનસભા ચૂંટણીમાં ૧૩ ટકા જેટલા મત મળ્યા છે. આ મતને કેવી રીતે વધારવા એ માટે હવે કામ કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે ૫ ધારાસભ્ય સાથે અઢી કલાક કરતાં વધુ સમય સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં વિસાવાદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાબતે ચર્ચા પણ થઈ હતી. અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યોને પક્ષ ન છોડવા બાબતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત કોઈપણ પ્રકારના લાભ કે લાલચમાં ન આવવાની સૂચના આપી હતી. જે હેતુથી આપમાં જોડાયા એ હેતુથી ધારાસભ્યએ કામ કરવાનું રહેશે એવી સૂચના પણ અરવિંદ કેજરીવાલે આપી હતી. આ ઉપરાંત ધારાસભ્યને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી કેજરીવાલે આપી છે.