જો ક્રિકેટ ખેલાડીઓને વધુ દબાણ લાગી રહ્યું હોય તો તેમને રમવા માટે કહી કોણ રહ્યું છે ? : કપિલ દેવ

મુંબઇ,

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું કહેવું છે કે, જો ટીમ ઈન્ડિયા વતી ખેલાડીઓને રમવાની તક મળી રહી છે તો તેમણે ગર્વ લેવો જોઈએ. ૧૯૮૩ વિશ્ર્વ વિજેતા ટીમના કેપ્ટને કહ્યું કે જો ક્રિકેટ ખેલાડીઓને વધુ દબાણ લાગી રહ્યું હોય તો તેમને રમવા માટે કહી કોણ રહ્યું છે ? તેમણે ન રમવું હોય તો કેળા અને ઈંડાની દુકાન ખોલી શકે છે ! આવું પહેલીવાર નથી બન્યું જ્યારે કપિલ દેવે ભારતીય ખેલાડીઓને લઈને આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આ પહેલાં પણ તેમણે ખેલાડીઓની માનસિક સ્થિતિ અને વર્કલોડ મેનેજમેન્ટને લઈને નિવેદન આપ્યું છે. કપિલ દેવનું કહેવું છે કે ૧૨૦ કરોડની વસતીવાળા દેશમાં જ્યારે તમને ક્રિકેટ રમવા મળે છે તો તેનાથી ખુશ થવું જોઈએ.

કપિલ દેવે ઉમેર્યું કે મેં એવું સાંભળ્યું છે કે, આપણે આઈપીએલ રમી રહ્યા છીએ એટલે ઘણું બધું પ્રેશર છે. આમ તો પ્રેશર શબ્દ સામાન્ય બની ગયો છે એટલા માટે હું ખેલાડીઓને એટલું જ કહીશ કે તમે ક્રિકેટ ન રમાો. તમને રમવા માટે કહી કોણ રહ્યું છે.

ક્રિકેટમાં પ્રેશર અને સ્પર્ધા બન્ને હશે એટલા માટે તમારે વખાણની સાથે સાથે ટીકા માટે પણ તૈયાર રહેવું પડશે. જો તમે ટીકાથી ડરાો છો અને તેને સહન નથી કરી શક્તા તો રમવું જોઈએ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અનેક સીનિયર ખેલાડી આખું વર્ષ ખુદને ઈજાગ્રસ્ત ગણીને નેશનલ ટીમ વતી રમ્યા નથી પરંતુ જેવી આઈપીએલ નજીક આવે છે એટલે તેઓ આપોઆપ ફિટ થઈ જાય છે જેને લઈને તરેહ તરેહના પ્રશ્ર્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે.