અમદાવાદ,
અમદાવાદના પૂર્વ વિસ્તારની એક હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ૩૦ વર્ષીય મહિલાની લાશ મળી આવી છે. યુવતીની લાશ મળી આતા સ્થાનિક પોલીસ સ્ટેશન સ્ટાફ હોસ્પિટલ પર પહોંચી ગયો હતો. જ્યાં ઓપરેશન થિયેટરના એક કબાટની અંદર યુવતીની લાશને છૂપાવી રાખવામાં આવી હતી. આ યુવતી નજીકના વિસ્તારમાં રહેતી હોવાની શંકા છે. હાલ પોલીસે આ યુવતી કોણ છે અને તેનું મોત કયા કારણસર થયું તે જાણવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેસનની હદમાં આવેલી એક હોસ્પિટલની અંદર ખૂબ જ દુર્ગંધ મારતી હતી. હોસ્પિટલના ઓપરેશન થિટેટરની અંદર આવેલા એક કબાટની અંદર વાસ મારતા આ કબાટ ખોલવામાં આવ્યું હતું. જેની અંદર ૨૮થી ૩૦ વર્ષની યુવતીની લાશ મળી હતી.
સુંદર દેખાતી આ યુવતીની લાશ અહીંયા કઈ રીતે આવી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ યુવતીની પ્રાથમિક દ્રષ્ટીએ હત્યા કરવામાં આવી હોય તેવી શંકાના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ હોસ્પિટલની અંદરથી મળેલી લાશ અનેક પ્રશ્ર્નો ઉભા કરી રહી છે.
જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીનું નામ ભારતી વાળા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મૃતક ભારતીને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ભારતી હોસ્પિટલના એક યુવકના સંપર્કમાં હતી તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.