આરઆરએસએ વિદેશી ભાષાના ૩ શ્રેષ્ઠ એવોર્ડ જીત્યા, વિદેશી ધરતી પર ફિલ્મ ધૂમ મચાવી રહી છે

મુંબઇ,

સાઉથની ફિલ્મ આરઆરઆર વિદેશની ધરતી પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મને સાઉથ બાદ બોલિવૂડમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે આ ફિલ્મ વિદેશોમાં પણ કમાલ બતાવી રહી છે. નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરએ ૩ ઇન્ટરનેશનલ એવોર્ડ જીત્યા છે. આરઆરઆરએ ફિલાડેલ્ફિયા ફિલ્મ ક્રિટીક્સ સર્કલ એન્યુઅલ એવોર્ડ્સમાં ૩ એવોર્ડ જીત્યા છે. આરઆરઆરએ ત્રણ કેટેગરીમાં ત્રણ એવોર્ડ જીત્યા છે  શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ, શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી અને શ્રેષ્ઠ સ્કોર/સાઉન્ડટ્રેક.

આરઆરઆરએ તેના ઓફિશિયલ ટ્વિટર પરથી એક ટ્વીટમાં આ માહિતી આપી છે અને લખ્યું છે- “અમને ૩ ટ્રોફી સાથે એનાયત કરવા બદલ તમારો આભાર”. ફિલ્મની આ સફળતા બાદ ઘણા ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે.

આરઆરઆરને સમગ્ર વિશ્ર્વમાં સફળતા અને પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧,૨૦૦ કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે વિદેશમાં પણ ફિલ્મનો દબદબો રહ્યો છે. RRR એ ૧૯૨૦ના દાયકા પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. ફિલ્મમાં સાઉથ એક્ટર રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. આ સિવાય આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ મહત્વના રોલમાં છે. આરઆરઆર વિશ્ર્વભરમાં માર્ચમાં તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મે તાજેતરમાં ૨૮મા વાષક ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં પાંચ નોમિનેશન મેળવ્યા હતા, જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ, બેસ્ટ સોંગ અને બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સનો સમાવેશ થાય છે.આરઆરઆરએ ૨ ગોલ્ડન ગ્લોબ નોમિનેશન પણ મેળવ્યા છે. વિશ્ર્વની ટોચની ૫૦ ફિલ્મોની યાદીમાં RRR નવમા નંબરે છે. સાઉથની આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.