ચીનમાં આર્થિક સંકટના ભણકારા ૬૦ લાખથી વધુ લોકો ભૂખમરાની ઝપેટમાં, અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો છવાયો

  • ચીનના ઘણા શહેરો કોરોનાના અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

બેજીંગ,

એક તરફ ચીન સરહદ ઉપર ભારત સાથે સરહદ મામલે ઘર્ષણ કરી રહ્યું છે પણ બીજી તરફ ચીન આંતરિક મામલાઓમાં ખોખલું બની રહ્યું છે. ત્રણ વર્ષ પછી પણ ચીનમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે ચીનની અર્થવ્યવસ્થા પર મોટું સંકટ મંડરાઈ ગયું છે. કોરોના મહામારીના કારણે ચીનની હાલત ખરાબ થઈ રહી છે. ચીનના ઘણા શહેરો કોરોનાના અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. બેઇજિંગની હોસ્પિટલોમાં ચેપગ્રસ્ત લોકોની મોટી ભીડ જોવા મળી રહી છે જ્યાં કોવિડ -૧૯ ને કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ફરી એકવાર ચીન ગરીબીમાં ફરી વળવાનો ભય છે કારણ કે કોરોના વાયરસ હજુ પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી.

રિપોર્ટ્સ અનુસાર ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે રાજધાની બેઇજિંગમાં કોવિડ-૧૯ના કેસ સતત વધી રહ્યા છે. વહીવટીતંત્રએ થોડા દિવસો પહેલા જ કોરોના પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું હતું. ભારે દેવાથી ઝઝૂમી રહેલા લોકો માટે અનાજ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. અગાઉ એકલા બેઇજિંગમાં લગભગ ૨૨,૦૦૦ દર્દીઓની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં તાવ અને લૂ જેવા કેસ માટે ક્લિનિક્સની મુલાકાત લેતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો અને ઇમરજન્સી કૉલ્સની સંખ્યામાં પણ મોટો વધારો થયો હતો.

અંદાજ છે કે લગભગ ૬ મિલિયન લોકો ગરીબીમાં પાછા આવવાનું જોખમ ધરાવે છે. ગયા વર્ષે જર્નલ ઑફ ચાઇના અને વર્લ્ડ ઇકોનોમીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ લગભગ ૫૦ ટકા સ્થળાંતર કામદારોના પરિવારો રોગચાળાથી પ્રભાવિત થયા હતા. વર્ષ ૨૦૨૦ માં પ્રી-કોવિડ સ્તરોથી તેમના રેમિટન્સમાં ૪૫ ટકાથી વધુ ઘટાડો થયો હતો. ૨૦.૫ ટકા સુધી ઓછી આવક ધરાવતા પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે.

નાનજિંગ યુનિવસટીના સેન્ટર ફોર સોશિયલ સિક્યુરિટી રિસર્ચના પ્રોફેસર મિંગગાંગ લિને જણાવ્યું હતું કે ઓછી આવક ધરાવતા પરિવારો ઓછી બચતને કારણે રોગચાળા જેવી ઘટના દરમિયાન રોકડની તંગીનો સામનો કરે છે. તેમણે કહ્યું કે સ્થળાંતરિત પરિવારો સૌથી વધુ અસરગ્રસ્ત છે કારણ કે પરિવારની આવકનો લગભગ બે તૃતીયાંશ હિસ્સો રેમિટન્સનો છે. સમય જતાં રોગચાળાને કારણે ગરીબીનું પુનરાગમન એક લાંબી સમસ્યામાં ફેરવાઈ શકે છે.