
બીજીંગ,
માત્ર ચીન જ નહી, પશ્ર્ચિમના દેશોમાં પણ કોરોના મહામારીએ માથુ ઉચક્યું છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ, જાપાન સહીતના વિક્સીત દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક સંખ્યામાં વયાં છે. કોરોનાના કેસ વધવાની સાથે વિશ્ર્વના અન્ય દેશમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે. ચીનના એક આરોગ્ય અધિકારીના જણાવ્યાનુંસાર વર્તમાન શિયાળાની ૠતુમાં ચીનમાં કોરોનાની વધુ એક લહેર આવશે. આ લહેરમાં ચીનની અડધોઅડધ વસ્તી લપેટમાં આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ચીન જેવી જ સ્થિતિ, વિશ્ર્વના અન્ય દેશમાં પણ જોવા મળે તો નવાઈ નહી. વિતેલા દિવસોમાં ચીનમાં કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ અને જાપાનમાં ગઈકાલના માત્ર એક જ દિવસમાં ૧૦૦૦થી વધુ લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે.
કોરોનાના આંકડાઓના આધારે વિશદ છણાવટ સાથે અભ્યાસ કરતી વેબસાઈટ વર્લ્ડોમીટર અનુસાર, વિશ્ર્વમાં ગઈકાલે કોરોનાથી સૌથી વધુ મૃત્યુનો આંક નોંધાયો છે. જેમાં અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ નિપજ્યા છે. ત્યાર બાદના ક્રમમાં જાપાન, બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સ આવે છે. ગઈકાલ ૨૦ ડિસેમ્બરને મંગળવારના માત્ર એક જ દિવસમાં આ પાંચ દેશમાં ૧૦૦૦થી વધુ મૃત્યું નોંધાયા છે.
૨૦ ડિસેમ્બરે નિપજેલ મૃત્યું
અમેરિકા ૩૦૮
જાપાન ૨૩૧
બ્રાઝિલ ૨૧૬
જર્મની ૨૦૧
ફ્રાન્સ ૧૩૦
અત્યાર સુધીમાં કોરોનાથી આ દેશમાં કેટલા લોકોના મૃત્યું નિપજ્યા ?
અમેરિકા ૧૧,૧૩,૮૦૮
બ્રાઝિલ ૬, ૯૨,૨૧૦
ફ્રાન્સ ૧,૬૦,૭૪૭
જર્મની ૧,૬૦,૨૪૬
જાપાન ૫૩, ૭૩૦
ચીનમાં ૧૦ લાખથી વધુ લોકોના મોત થવાની ભીતિ
અહેવાલ અનુસાર, અમેરિકાની એક પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાએ, તેના સંશોધનાત્મક અહેવાલમાં જણાવ્યું છે કે, ચીનનું માનવું છે કે ૨૦૨૩માં કોરોના વાયરસના કેસના વિસ્ફોટ બાદ ચીનમાં ૧૦ લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન સરકારે ગત ૭ ડિસેમ્બરથી આજ દિવસ સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુ અંગે સત્તાવાર કોઈ જ આંકડા જાહેર કર્યા નથી.