શહેરાના મીરાપુર ગામે જમીન બાબતે યુવકની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આખા પરિવારને આજીવન કેદની સજા ફટકારી.

શહેરા,
શહેરા તાલુકાના મીરાપુર ગામ નજીક હાઇવે માર્ગ ઉપર જમીન બાબતે નસીકપુર ગામના યુવકની કરાયેલી હત્યાના મામલે પંચમહાલ જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા હુમલો કરનાર આખા પરિવારને આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ 2020માં શહેરા પોલીસ મથકે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓ સામે નોંધાયેલા હત્યાના ગુન્હામાં ઝડપી નિર્ણય લઈ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા-ગોધરા હાઈવે માર્ગ ઉપર આવેલ મીરાપુર ગામ નજીક હાઈવે માર્ગને અડીને આવેલ જમીન જીતુભાઈ રાવળ નામના વ્યક્તિ પાસેથી ગોધરા તાલુકાના નસીકપુર ગામના ભરતભાઈ ચારણે ખરીદી હતી. જે જમીન જોવા માટે તા.05/06/2022 ના રોજ મીરાપુર ગામ પાસે આવેલ હાઈવે ઉપર ગોધરા તાલુકાના નસીકપુર ગામના સામંતભાઈ નાનાભાઈ ચારણ અને તેમનો ભાણિયો ભરતભાઈ ગઢવી ગયા હતા. તે સમય દરમિયાન મીરાપુર ગામના દલપત ઉર્ફે ભલાભાઈ બામણીયાનો દીકરો ધર્મેન્દ્ર તેમજ જમાઇ હરીશ અને દલપત બામણીયા તેમની બંને પત્નીઓ નામે લીલા ઉર્ફે અનસૂયા તેમજ લીલાબેન સાથે સ્થળ પર આવીને માં-બહેન સમાણી ગાળો બોલી તમો અમારી જમીન પર કેમ આવ્યા છો તેમ કહેતા ભરત ચારણે આ જમીન જીતુભાઇ રાવળને તમોએ વેચાણ આપેલ અને જીતુભાઇ પાસેથી અમોએ લીધેલ છે. તેવી વાતો કરતા ભલાભાઈ તેમજ તેમના પરિવારના સભ્યોએ ઉશ્કેરાટમાં આવી. આ જમીન અમોએ કોઈને વેચાણ આપેલ નથી. અહીંથી જતા રહો નહીં તો જીવતા જવા દઈશું નહીં તેમ કહીને બોલાચાલી કરી ભલાભાઈ બામણીયાની બંને પત્નીઓ તેમજ જમાઈ સહીતના સભ્યોએ ભરતભાઈ અને સામંતભાઇ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. ત્યારબાદ આરોપી ભલાભાઈએ પોતાની સ્કોર્પિયો ગાડીમાંથી ધારીયું લઈ આવી સામંતભાઈને ધારીયું મારતા તેઓને ખભા તેમજ પગના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારે સામંતભાઈને બચાવવા તેમનો ભાણીયો ભરત ચારણ જતા ભરતના માથાના ભાગે ધારીયું વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો અને ભલા બામણીયાએ ઉપરાછાપરી ઘા મારી લોહીથી લથપથ પડેલા ભરતભાઈ ચારણની ઘાતકી હત્યા કરી નાખી હતી, જ્યારે ભલા બામણીયા અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલા હુમલામાં સામતભાઈને સામાન્ય ઇજા થઇ જયારે તેમના ભાણા ભરતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે દલપત ઉર્ફે ભલાભાઈ બામણીયા સહિત તેમના પરિવારના પાંચ વ્યક્તિઓ સામે શહેરા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો,જેમાં છેલ્લા ઘણા સમયથી ભલાભાઈ તેમજ તેમની બંને સહિત પરિવારના સભ્યો સબજેલમાં બંધ હતા. ત્યારે આ કેસ પંચમહાલ જિલ્લા સેશન્સ કોર્ટના જજ સમક્ષ ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના ગુન્હામાં આરોપી દલપત ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તેમજ પુત્ર ધર્મેન્દ્ર અને હરીશ સહિત તેમની બંને પત્નીઓ એમ આખા પરિવારને આજીવન કારાવાસની સખત કેદની સજા ફટકારી ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારે પંચમહાલ જિલ્લામાં પ્રથમ વખત આખા પરિવારને આજીવન કેદની સજાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાની સાથે સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના કેસમાં ઝડપી નિર્ણય લેવામાં આવ્યો છે.