ગટર સફાઈમાં માર્યા ગયેલા ૧૦૪ લોકોના પરિવારને વળતર ન મળતાં સંસદીય સમિતિમાં રોષ

નવીદિલ્હી,

સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં ખુલાસો થયો છે કે ગટર અથવા સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે મૃત્યુ પામેલા ૧૦૪ લોકોના પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી વળતર આપવામાં આવ્યું નથી. ભાજપના સાંસદ રમા દેવીની અયક્ષતાવાળી સામાજિક ન્યાય અને સશક્તિકરણની સ્થાયી સમિતિએ ૧૬ ડિસેમ્બરે લોક્સભામાં આ સંબંધમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં કેન્દ્ર સરકાર પાસે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર આપવાની માંગ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર સરકાર ૧૦૪ કેસમાં વળતર આપવામાં વધુ વિલંબ ન કરે અને તેની માહિતી આપે તો સમિતિ ખુશ થશે.

સુપ્રીમ કોર્ટના આદેશ પર ૧૦ લાખનું વળતર આપવામાં આવ્યું હતું હકીક્તમાં, ૨૦૧૪ માં સુપ્રીમ કોર્ટે ગટર સાફ કરનારાઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ૧૯૯૩થી ગટર સાફ કરતી વખતે મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવે. જો કે, ૨૦૧૯માં દાખલ કરાયેલી એક આરટીઆઇમાં જાણવા મળ્યું હતું કે ૧૯૯૩ અને ૨૦૧૯ની વચ્ચે, ગટર સફાઈ કામદારોના માત્ર ૫૦% પરિવારોને વળતર મળ્યું હતું.

આ મામલામાં લોક્સભામાં રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૦ લાખ રૂપિયાના બદલે પીડિત પરિવારોને ૫ લાખ, ૪ લાખ અથવા ૨ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. સંસદીય સ્થાયી સમિતિએ ગયા અઠવાડિયે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે નીતિગત નિર્ણયોને લાગુ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. કમિટીએ વળતરમાં વિલંબ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.