મોદીએ ફરી મને સાચો સાબિત કર્યો, ભારત સરકારે ગુજરાતના મુસ્લિમો પર અત્યાચાર કર્યા : બિલાવલ ભુટ્ટો

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. ઝરદારીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીની પાર્ટી દ્વારા ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ઝરદારીએ કહ્યું હતું કે ભારત સરકાર ગુજરાતના મુસ્લિમો પર ખૂબ અત્યાચાર કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભુટ્ટોએ કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા સાબિત કર્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી નેતાઓએ તેમના પર ઇનામ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં એક ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી.

પાકિસ્તાનના વિદેશમંત્રીએ અગાઉ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત પ્રહારો કર્યા હતા. પ્રેસ-કોન્ફરન્સમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદનથી ગુસ્સે થયેલા ભુટ્ટોએ વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી અને તેમને ’ગુજરાતનો ક્સાઈ’ ગણાવ્યા. બિલાવલ ભુટ્ટોએ એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે, પરંતુ ’ગુજરાતનો ક્સાઈ’ હજુ પણ જીવિત છે અને ભારતના વડાપ્રધાન છે.

ભુટ્ટોના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાનીઓ પાસેથી ભારતને કોઈ અપેક્ષા નથી. જયશંકરે એક કોક્ધ્લેવ દરમિયાન કહ્યું હતું કે અમારા મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે તેમના વિદેશમંત્રી વિશે શું વિચારીએ છીએ.

બિલાવલે પીએમ મોદી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતાં બિલાવલના નિવેદનને અસંસ્કારી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે આ બતાવે છે કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓકવા માટે કયા સ્તર સુધી જઈ શકે છે.

પાકિસ્તાનને ૧૯૭૧ની યાદ અપાવતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બિલાવલ ભુટ્ટો કદાચ ૧૯૭૧ને ભૂલી ગયા છે, જ્યારે પાકિસ્તાનની સરકારે બંગાળીઓ અને હિન્દુઓની હત્યા કરી હતી. પાકિસ્તાનને ખતરનાક આતંકવાદીઓનું આશ્રયસ્થાન ગણાવતાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે, જે આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ તરીકે રજૂ કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે પાકિસ્તાને પોતાના ગુસ્સાનો ઉપયોગ દેશનાં આતંકવાદી સંગઠનો સામે કરવો જોઈએ, જેમણે આતંકવાદને પાકિસ્તાનની નીતિ બનાવી છે.