
- તાલિબાન આતંકવાદીઓએ પાકિસ્તાનના અનેક પોલીસ કર્મીઓને બંધક બનાવ્યા, ૨ના મોત.
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના અશાંત વિસ્તાર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં તાલિબાન આતંકવાદીઓએ એક આતંકવાદ વિરોધી કેન્દ્ર પર કબજો કરી લીધો હતો. કેટલાક સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા પોલીસ કર્મીઓને બંધક બનાવી લીધા હતા. પાકિસ્તાનની સરકાર અને તાલિબાન આતંકવાદીઓ વચ્ચે બાનમાં લેવાયેલા સુરક્ષા કર્મચારીઓની મુક્તિ માટે વાટાઘાટો ચાલી રહી છે. જો કે બન્ને પક્ષે થઈ રહેલી વાટાઘાટોનું હજુ સુધી કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નથી. પોલીસ કર્મચારીઓને બંધક બનાવ્યાની ઘટનાથી અકળાયેલા કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ એ કેટલાક આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકીઓની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા આતંકીઓમાંથી એક આતંકીએ પોલીસકર્મી પાસેથી એકે-૪૭ છીનવી લીધી હતી અને આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. આ આતંકવાદીએ બિલ્ડિંગમાં રખાયેલા અન્ય આતંકીઓને મુક્ત કરાવ્યા હતા. જે સ્થળે આતંકવાદીઓને રાખવામાં આવ્યા હતા તે જગ્યાનો કબજો મેળવી લીધો. તેઓએ અનેક પોલીસકર્મીઓને પણ બંધક બનાવી લીધા છે. આતંકવાદીઓને છોડાવવા તેમના સાથીદારોએ કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓના મોત થયા છે. જેના પગલે પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ, સેનાના વિશેષ દળને એલર્ટ મોડ પર રાખ્યા છે.
સોમવારે બન્નુમાં સ્થિતિ તણાવપૂર્ણ રહેવા પામી હતી કારણ કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કેન્ટોનમેન્ટ વિસ્તારને ઘેરી લીધો હતો. જ્યાં આ કેન્દ્ર આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન મોહમ્મદ અલી સૈફે જણાવ્યું હતું કે પરિસ્થિતિ યથાવત છે. હજુ સુધી કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી. સૈફે કહ્યું કે તેઓ તાલિબાનના સતત સંપર્કમાં છે.
તેમણે એમ પણ કહ્યું કે બન્નુ કેમ્પસમાં આતંકવાદીઓ દ્વારા એક સુરક્ષા અધિકારીની હત્યા કરવામાં આવી છે. પરંતુ તેમણે વિસ્તૃત માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. સરકાર આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી રહી છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો સાથે વાતચીત માટે મધ્યસ્થી માટે સ્થાનિક ધાર્મિક નેતા મૌલાના અહેમદ ઉલ્લાહને બોલાવવાની માંગ કરી છે. આતંકવાદીઓએ વાટાઘાટો હકારાત્મક રહે તે માટે બંધક બનાવેલા પોલીસ કર્મચારીને તેમના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે મોબાઇલ ફોન પર વાત કરવાની મંજૂરી આપી હતી.
દરમિયાન, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ઘણા સુરક્ષા અધિકારીઓ અને જેલના કર્મચારીઓને બંધક બનાવ્યા છે. દક્ષિણ અથવા ઉત્તર વઝિરિસ્તાનના આદિવાસી જિલ્લાઓમાં જ કેદીઓને રાખવામાં આવ્યા છે. ટીટીપીએ કહ્યું કે મડાગાંઠની શરૂઆતથી જ સુરક્ષા દળોનું વલણ દર્શાવે છે કે, સુરક્ષા દળો તેમની માંગ સ્વીકારવા તૈયાર નથી અને તેમના વિરુદ્ધ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા પર અડગ છે. ટીટીપીના પ્રવક્તા મુહમ્મદ ખુરાસાનીએ જણાવ્યું હતું કે, સુરક્ષા અધિકારીઓ દ્વારા કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે પોલીસ સ્ટેશનમાં કેદી તરીકે પકડેલા આતંકવાદીઓ સાથે કરાયેલા અમાનવીય વર્તનને પગલે, આતંકવાદીઓને સુરક્ષા કર્મીઓને બંધક બનાવવાની ફરજ પડી છે.