ફતેપુરા,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ વાંગડ સીઆરસીની વલુંડી પ્રાથમિક શાળા દ્વારા શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવાના આશયથી વિવિધ સ્થાનોની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કર્યું છે.
જેના અનુસંધાને આજ રોજ ન્યાય મંદિર ફતેપુરા, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ફતેપુરા તેમજ નર્સિંગ કોલેજ ફતેપુરાની શૈક્ષણિક મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાય મંદિર ફતેપુરાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ન્યાય મંદિરની ભૂમિકા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. ન્યાય મેજિસ્ટ્રેટ દ્વારા વિધાર્થીઓને ઉત્તમ શિક્ષણ મેળવીને તનતોડ મહેનત કરી પોતાના ભવિષ્યને સફળ બનાવવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું. વિધાર્થીઓને કોર્ટની કાર્યવાહી જોવાનો અવસર પ્રાપ્ત થયો. વિધાર્થીઓ ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી વિજ્ઞાન પ્રવાહ વિશે વધુ માહિતી મેળવે તે માટે ફતેપુરા જિલ્લાની એક માત્ર સરકારી વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળામાં લઈ જવામાં આવ્યા. નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સમજ મળે તે માટે ફતેપુરા ખાતે આવેલ વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની મુલાકાત પણ બાળકોએ લીધી. બાળકો માટે શૈક્ષણિક જ્ઞાનસભર મુલાકાતોનું આયોજન કરતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક મુલાકાતોનું આયોજન કરાયું હોવાની શાળા દ્વારા જાણકારી આપવામાં આવી છે.