ભારતે ૨૧ વર્ષ પછી મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો

  • જમ્મુ-કાશ્મીરની સરગમ કૌશલે ૬૩ દેશની સુંદરીઓને હરાવીને તાજ પહેર્યો.

મુંબઇ,

સરગમ કૌશલે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. આ તાજ ૨૧ વર્ષ પછી ભારતને પ્રાપ્ત થયો છે. આ સ્પર્ધામાં વિશ્ર્વના ૬૩ દેશની મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાંથી સરગમ કૌશલ વિજેતા બની છે. જમ્મુ-કાશ્મીરની રહેવાસી સરગમ પ્રોફેશનથી શિક્ષક છે. તેમણે નેવી ઓફિસર સાથે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. સરગમે તેની સફળતાનું શ્રેય તેના પિતા અને પતિને આપ્યું છે.

મિસિસ ઈન્ડિયા પેજન્ટના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની જાહેરાત કરવામાં આવી છે. અહીં ક્રાઉનિંગ મૂવમેન્ટના એક ક્ષણની ઝલક શેર કરતાં લખ્યું છે કે હવે ઈંતજાર ખતમ થયો. આ તાજ ૨૧ વર્ષ પછી આપણી પાસે પાછો આવ્યો છે. જણાવી દઈએ કે સરગમ પહેલાં ડો. અદિતિ ગોવિત્રીકરે ૨૦૦૧માં આ ખિતાબ જીત્યો હતો. અવોર્ડ માટેની જ્યૂરી પેનલમાં અભિનેત્રી સોહા અલી ખાન, વિવેક ઓબરોય અને મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે.૩૨ વર્ષીય સરગમે ૬૩ દેશની સુંદરીઓને હરાવીને આ ખિતાબ જીત્યો છે.સ્પર્ધાના અંતિમ રાઉન્ડ માટે, કૌશલે ભાવના રાવ દ્વારા ડિઝાઇન કરાયેલો ગુલાબી સ્લિટ ગાઉન પહેર્યો હતો. સરગમ કૌશલે મિસિસ વર્લ્ડ ૨૦૨૨ના એક કાર્યક્રમમાં કાશ્મીરી મહિલાઓ દ્વારા બનાવેલો હેન્ડક્રાટેડ ડ્રેસ પણ પહેર્યો હતો.આ પહેલાં સરગમે ૧૫ જૂન ૨૦૨૨ના રોજ મિસ ઈન્ડિયા વર્લ્ડ ૨૦૨૨નો અવોર્ડ જીત્યો હતો. તેને આ ખિતાબ નવદીપ કૌરે આપ્યો હતો.સરગમે ૨૦૧૮માં નેવી ઓફિસર આદિત્ય મનોહર શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેના પતિ દ્વારા સરગમે મોડલિંગનો પહેલો કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો.

૩૨ વર્ષીય સરગમ કૌશલ જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે, તેમણે ઇંગ્લિશ લિટ્રેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સરગમ વિશાખાપટ્ટનમમાં એક શિક્ષક તરીકે કામ કરી ચૂકી છે. સરગમે ૨૦૧૮માં લગ્ન કર્યા, તેના પતિ ઈન્ડિયન નેવીમાં છે.

ડો.અદિતિ ગોવિત્રીકરે ૨૧ વર્ષ પહેલાં એટલે ૨૦૦૧માં મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. અદિતિ આ ક્રાઉન જીતનાર પ્રથમ ભારતીય મહિલા હતી. અદિતિ એક એક્ટ્રેસ પણ છે, તેણે ભેજા ફ્રાઈ, દે દના દન, સ્માઈલ પ્લીઝ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે મિસિસ વર્લ્ડ વિશ્ર્વની પહેલી આવી સૌંદર્ય સ્પર્ધા છે, જે પરિણીત મહિલાઓ માટે બનાવવામાં આવી છે. એની શરૂઆત ૧૯૮૪માં થઈ હતી. પહેલાં તેનું નામ મિસિસ અમેરિકા હતું, ત્યાર પછી મિસિસ વુમન ઓફ ધ વર્લ્ડ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૮૮માં તેનું નામ મિમિસ વર્લ્ડ રાખવામાં આવ્યું. અગાઉ મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર મહિલા શ્રીલંકાની રોઝી સેનાયાયાકે હતી.