કોરોના વાયરસના કપરાકાળમાં માર્ચ મહિનાથી બંધ થયેલા સિનેમાહોલને છેલ્લા સાત મહિનાથી તાળા લાગ્યા છે. કેટલીય મોટી ફિલ્મો રીલિઝ થતા અટકી છે. લાંબા સમયથી થિએટર્સ ન ખૂલતા સિને તથા મલ્ટિપ્લેક્સ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. અનલોકના પીરિયડ્સમાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. આવતા મહિનાથી એક રાજ્યમાં સિનેમા હોલ ખુલી રહ્યા છે.
એક રાજ્યએ સિનેમાહોલને શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે સિનેમાહોલ ફરી શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. માત્ર સિનેમાહોલ જ નહીં પણ આવતા મહિનેથી ઘણી બધી વસ્તુઓ ફરી શરૂ કરવા માટે પશ્ચિમ બંગાળ સરકારે તૈયારી બતાવી છે. આ વાતની જાણકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ટ્વિટ કરીને આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સામાન્ય પરિસ્થિતિઓ તરફ પરત ફરતા યાત્રા, પ્લે, ઓપન એર થિએટર્સ, સિનેમાહોલ, મ્યુઝિકલ પ્રોગ્રામ, ડાન્સ પ્રોગ્રામ અને મેજિક શૉ તા.1 ઑક્ટોબરથી 50થી ઓછા લોકો સાથે ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમણે પોતાના ટ્વિટમાં એ વાત પણ સ્પષ્ટ કરી કે, લોકોએ માસ્ક પહેરવું પડશે આ સાથે અન્ય નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. એક લાંબા સમય સુધી સિનેમાઘરના માલિકો અને ફિલ્મ મેકર્સ એવી માંગ કરી રહ્યા હતા કે, સિનેમાહોલ ફરી શરૂ કરવામાં આવે. માર્ચ મહિનાથી બંધ સિનેમાહોલ હજું પણ બંધ છે. જોકે, કેન્દ્ર સરકારે યોગ્ય ગાઈડલાઈન્સ સાથે શુટિંગ કાર્યને મંજૂરી આપી દીધી છે.
દર્શકો ઘણા લાંબા સમયથી નવી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. જેમાં અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સૂર્યવંશી’, સલમાન ખાનની ફિલ્મ ‘મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અને રણબીરસિંહની ’83’નો પણ સમાવેશ થાય છે. લોકો પણ એવી આશા રાખી રહ્યા છે કે, દિવાળી સુધીમાં સમગ્ર દેશમાં નિયમો સાથે થિએટર્સ ખોલવામાં આવી શકે છે. જોકે, સરકારે આ માટે હજું સુધી કોઈ પ્રકારનો નિર્ણય લીધો નથી. જો સરકાર સિનેમાહોલને લઈને કોઈ જાહેરાત નહીં કરે તો અનેક ફિલ્મોનું રીલિઝિંગ અટકશે. જોકે, કેટલાક ફિલ્મ પ્રોડ્યુસર પોતાની ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનું વિચારી રહ્યા છે. જોકે, આ અંગે પણ કોઈ પ્રોડ્યુસરે સત્તાવાર જાહેરાત કરી નથી.