’રાણો’ જેલ હવાલે: દેવાયત ખવડ સહિત બે સાથીઓને જેલ મોકલવા કોર્ટનો આદેશ

રાજકોટ,

લોક્સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ દરમિયાન પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં આરોપીઓને જેલ હવાલે કરાયા છે. આજે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. નોંધનીય છે કે, રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી. જેલ હવાલે કરાતા વકીલ દ્વારા બાદમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી શકે છે. દેવાયતની સાથે તેના અન્ય બે સાથીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેમના પણ રિમાન્ડ પૂર્ણ થયા છે. તો હવે ’રાણો’ જેલમાં હવાલે કરાયો છે.

દેવાયતના હુમલાનો ભોગ બનનાર પરિવારે વડાપ્રધાન સુધી ફરિયાદ કરતાં દેવાયત રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ તેના બે સાગરીતો હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતાં. જેથી ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં.

પોલીસે કોર્ટમાં ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. પરંતુ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્ચાં હતા. સોમવારે સાંજે ૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા.

બીજી બાજુ, તેના વકીલે નિવેદન આપ્યું હતું કે, પોલીસે કરેલી એફઆઈઆર ખોટી છે. દેવાયત ખવડના વકીલે જણાવ્યુ હતુ કે, પોલીસે ૩૦૭ હેઠળ ગુનો નોંયો છે પરંતુ પોલીસની એફઆઈઆર જ ખોટી છે. CCTV ફૂટેજના આધારે કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું.

તેમણે વધુમાં કહ્યુ કે, તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે. તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે ક્યાંય માર્યું નથી. સાતથી આઠ વખત માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો ૩૦૭નો ઉમેરો તેમાં ક્યારેય થઈ શકે નહીં. હુમલાના ૯ દિવસ બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ હાજર થયા બાદ રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં એસીપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, મયુરસિંહ રાણા પર કરેલા હુમલાના કેસમાં દેવાયત ખવડે સરેન્ડર કર્યું છે.