દાહોદ સેવાસદન ખાતે સંકલન સમિતિની બેઠકમાં ટ્રાફિક પોલીસ મથક શરૂ કરવાનુ નકકી કરાયુ

દાહોદ,

દાહોદ શહેરમાં જિલ્લા સેવાસદન ખાતે કલેકટર ડો.હર્ષિત ગોસાવીની અઘ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં નવનિર્વાચિત ધારાસભ્યઓનુ અધિકારીઓ દ્વારા સાલ, મોમેન્ટો આપીને ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતુ. બેઠકમાં સાંંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સર્વે શૈલેષભાઈ ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલન બેઠકના પ્રથમ ભાગમાં ધારાસભ્યોના પ્રશ્ર્નો લેવામાં આવ્યા હતા. જેમાં દાહોદ નગરમાં ટ્રાફિકનો પ્રશ્ર્ન, જિલ્લામાં આરોગ્ય સેવાઓ, પ્રાથમિક શિક્ષણ, નલ સે યોજના, રસ્તાઓ, સ્માર્ટસિટી સહિતના પ્રશ્ર્નોનો બેઠકમાં સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દાહોદ નગરમાં ટ્રાફિકના પ્રશ્ર્ને જણાવ્યુ હતુ કે, ટ્રાફિક નિયમન ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ દ્વારા કરાય છે. ટ્રાફિક પોલીસની જે ધટ હતી તે હવે ભરી દેવામાં આવી છે અને 180 જેટલા ટ્રાફિક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત એક ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ શરૂ કરવામાં આવશે. તેમજ બિનજરૂરી પાર્કિંગ સામે ક્રેન માટેનુ ટેન્ડર પણ પ્રક્રિયામાં હોવાનુ જણાવ્યુ હતુ.