લુણાવાડા,
લુણાવાડા તાલુકાની રાબડિયા પ્રા.શાળામાં અભ્યાસ માટે આવતા બાળકો પાસે શાળા કમ્પાઉન્ડની સફાઈ કરાવવામાં આવતી હોવાનુ બહાર આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શાળામાં બાળકો અભ્યાસ માટે આવતા હોવા છતાં રાબડિયા પ્રા.શાળામાં બાળકોને અભ્યાની પ્રવૃત્તિ કરાવવાને બદલે શાળાના કમ્પાઉન્ડની સાફસફાઈ કરાવાતી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને તગારા, સાવરણી, અને ડોલ પકડાવી સાફસફાઈની પ્રવૃત્તિ કરાવાતી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. શાળાની સફાઈ માટે સરકાર તરફથી સ્વિપરનો પગાર પણ ચુકવાતો હોવા છતાં બાળકો પાસે આવી પ્રવૃત્તિ કરાવાતી હોવાનુ તેમના વાલીઓને ઘ્યાનમાં આવતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. બાળકો પાસે શાળાના સમય દરમિયાન અભ્યાસના બદલે આ પ્રકારની પ્રવૃત્તિ કરાવાતા તેની બાળકોના અભ્યાસ પર પણ વિપરીત અસર પડતી હોવાની રજુઆત વાલીઓ દ્વારા કરાઈ છે. જેથી વાલીઓ દ્વારા શાળા સંચાલકોને મળી બાળકો પાસે આ પ્રકારની પ્રવૃત્તિ નહિ કરાવવા ઉગ્ર રજુઆત કરાઈ હતી.