
ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગો ખુલ્લા કરવા માટે શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા સિટી ટ્રાફિક પોલીસ અને બી-ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે શહેરના મુખ્ય વિસ્તારોમાં આકસ્મિક ડ્રાઇવ યોજી હતી.આ મેગા ડ્રાઇવ રેલવે સ્ટેશન રોડ, પોલીસ ચોકી નંબર 7 અને સિગ્નલ ફળિયા સહિતના ગીચ વિસ્તારોમાં યોજાઈ હતી. પોલીસે રોડની બંને તરફ આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.

રસ્તા પર અડચણરૂપ ઊભી રહેતી લારીઓ અને ગલ્લાવાળાઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. નો-પાર્કિંગમાં ઊભા રાખેલા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક વાહનોને પોલીસે સ્થળ પર જ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની આ કડક કાર્યવાહીને પગલે અડચણરૂપ વાહન ચાલકો અને દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
