ઝાલોદના યુવકને રેલ્વેમાં નોકરીના બ્હાને 8 લાખની ઠગાઈ કરનાર ત્રણ ભેજાબાજને ઝડપી લેવાયા

દાહોદ,

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં થોડા દિવસો પહેલાં એક બેરોજગાર યુવકે સાથે રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને મધ્યપ્રદેશની એક મહિલા સહિત ત્રણ ઈસમોએ રૂા. 8 લાખની છેતરપીંડી, વિશ્ર્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસનો ધમધમાટ આરંભ કરી ત્રણેય ભેજાબાજોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હતાં.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં શાંતિનગર સોસાયટીમાં રહેતાં 26 વર્ષીય નિતીનભાઈ મોહનભાઈ વાલ્મીકીને દાહોદમાં રહેતો અંકિત રાઠોડ અને મધ્યપ્રદેશમાં રહેતાં દુર્ગેશ્ર્વરીબેન વસંતસિંગ વાઘેલા તેમજ અભિજીત ગિરીશભાઈ સાહુએ રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી ત્રણેય જણાએ આગોતરૂં કાવતરૂં રચી અલગ અલગ સમયગાળા દરમ્યાન નિતીનભાઈ પાસેથી ટુકડે ટુકડે કુલ રૂા. 8 લાખ પડાવી લીધાં હતાં અને બાદમાં રેલ્વેમાં નોકરી અપાવવામાં ગલ્લા તલ્લા કરી નિતીનભાઈએ આપેલ રૂા. 8 લાખ પરત નહીં કરતાં આ સંબંધે નિતિનભાઈ દ્વારા ગત તા.16મી ડિસેમ્બરના રોજ લીમડી પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી તેજ દિવસે ત્રણ પૈકી દાહોદના અંકિત રાઠોડની ધરપકડ કરી લીધી હતી અને ત્યાર બાદ ગતરોજ મધ્યપ્રદેશના રહેવાસી દુર્ગેશ્ર્વરીબેન વસંતસિંહ વાઘેલા અને તેની સાથેનો અભિજીત ગિરીશભાઈ સાહુને પણ પોલીસે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતાં મેળવી હતી.