ઝેરી દારુથી ૨૦૦ લોકોના મોત

  • કોઈનાં પણ પોસ્ટમોર્ટમ વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે
  • મૃતકોના પરિવારજનો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. દારૂના કારણે મોત થયું છે એવું ન કહે નહીં તો તેમને જેલમાં મોકલવામાં આવશે. : ચિરાગ પાસવાન

પટણા,

બિહારના છપરામાં ઝેરી દારૂના કારણે થયેલા મોતના મામલામાં લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાન સીએમ નીતિશ પર હુમલો કરવા માટે નવો ડેટા લાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે દારૂના કૌભાંડમાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે. પરંતુ આ સત્યને દબાવવામાં આવી રહ્યું છે. જે લોકો દારૂ પીવાના કારણે મૃત્યુ પામ્યા હતા, તેમના અંતિમ સંસ્કાર પોસ્ટમોર્ટમ વિના કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે મૃતકોના પરિવારજનો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. દારૂના કારણે મોત થયું છે એવું ન કહે નહીં તો તેમને જેલમાં મોકલવામાં આવશે. આ મુદ્દે સીએમ નીતિશ કુમારનું મૌન ભ્રષ્ટ અધિકારીઓને સમર્થન દર્શાવે છે. આ મામલામાં બિહાર સરકાર સીધી રીતે દોષિત છે. નીતીશ સરકાર આ મામલે તપાસ કરી શકે નહીં. એટલા માટે આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. બીજી તરફ નીતીશ કુમારના નિવેદન પર કે પીશો તો મરી જશો, ચિરાગ પાસવાએ કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારની સંવેદનશીલતા મરી ગઈ છે. તેનું યાન ફક્ત તેની ખુરશી પર જ રહે છે.

ચિરાગ પાસવાન શનિવારના રોજ દારૂના કેસમાં મૃતકના સંબંધીઓને મળવા માટે છપરાના મશરક પહોંચ્યા હતા. આ દરમિયાન વાતાવરણ ખૂબ જ ભાવુક બની ગયું હતું. પરિવારના સભ્યો ચિરાગને ગળે લગાવીને રડવા લાગ્યા હતા. તેમને સાંત્વના આપતા ચિરાગે બિહાર સરકાર પાસે મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. ચિરાગના કાકા અને કેન્દ્રીય પ્રધાન પશુપતિ નાથ પારસે છપરામાં નકલી દારૂના કારણે થયેલા મૃત્યુ પર બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી.

લોક જનશક્તિ પાર્ટી (રાષ્ટ્રીય) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પશુપતિ નાથ પારસ તેમની પાર્ટીના નેતાઓ સાથે રાજ્યપાલ પાસે મેમોરેન્ડમ આપવા પહોંચ્યા. રાજ્યપાલને મળ્યા બાદ બહાર આવેલા કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ, સાંસદ પ્રિન્સ કુમારે કહ્યું કે આ સરકાર ગરીબ વિરોધી માનસિક્તા ધરાવે છે. પશુપતિ પારસે છપરામાં નકલી દારૂના કારણે થયેલા મૃત્યુ માટે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, મુખ્ય સચિવ અને બિહારના ડીજીપીને જવાબદાર ગણાવ્યા હતા. આ લોકો વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ.