- ફતેપુરા તાલુકામાં નાની-નાની બાબતોમાં મારા મારી ના ગુન્હાનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં છે,આવા કેસોમાં યોગ્ય સજા કરવામાં ન આવે તો સામાન્ય સંજોગોમાં શાંતિથી રહેવાવાળા નાગરિકોને હેરાનગતિ ઉભી થાય : ફતેપુરા કોર્ટનું તારણ.
- ચાર આરોપીઓને એક વર્ષની સાદી કેદની સજા તથા દંડની રકમ નહીં ભરે તો વધુ 30 દિવસની સજાનો હુકમ કરાયો.
ફતેપુરા,
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે વર્ષ 2014 માં મારામારી થતા ત્રણ આરોપીઓની વિરૂદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેનો ફતેપુરા કોર્ટમાં કેસ ચાલતો હોય તેની અદાવત રાખી ચાર જેટલા આરોપીઓએ વર્ષ 2016માં ડુંગર ગામના મોટરસાયકલ ઉપર જઈ રહેલા એક વ્યક્તિને છરી જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડેલ.જે બાબતની ફરીથી એફ.આઇ.આર દાખલ થતા જે કેસ ફતેપુરા કોર્ટમાં ચાલી રહ્યો હતો.
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે વર્ષ 2014માં ફરિયાદી લક્ષ્મણભાઈ હીરાભાઈ પારગી દ્વારા મારામારીમાં સંડોવાયેલા નરપતભાઈ હાલાભાઇ પારગી, શંકરભાઈ જગાભાઈ પારગી તથા પરમાભાઈ જગાભાઈ પારગી તમામ રહે. ડુંગર પછોરા ફળિયુ તાલુકો ફતેપુરા નાઓએ તકરાર કરી મારામારી કરતા મારામારીનો ગુનો દાખલ થયો હતો. જે કેસ ફતેપુરા કોર્ટમાં ચાલી રહ્યો હતો. તેની અદાવત રાખી વર્ષ 2016 માં ફરીથી આ જ વ્યક્તિઓએ ડુંગર ગામના ટીનો ઉર્ફે મુકેશભાઈ શંકરભાઈ પારગી રહે.ડુંગર ની મદદગારી લઈ ફરિયાદી મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા. તેવા સમયે રસ્તામાં આંતરી મારામારી કરી છરી જેવા હથિયારથી ઇજાઓ પહોંચાડી હતી. જે બાબતે બીજી વાર ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓની વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાબતે ફતેપુરા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે ફરિયાદી પક્ષના વકીલ એ. પી.પી.એન.એમ.કટારા નાઓની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી 14 ડિસેમ્બર-2022 ના રોજ ફતેપુરા નામદાર કોર્ટ દ્વારા આખરી ચુકાદો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
તેમાં નરપત હાલાભાઈ પારગી,શંકર જગાભાઈ પારગી, પરમા જગાભાઈ પારગીના ઓને મારામારીના ગુનામાં છ માસની સાદી કેદની સજા તથા રૂપિયા 1000 દંડની સજા ફટકારવામાં આવી હતી. તેમજ દંડની રકમ ભરપાઈ નહીં કરે તો 30 દિવસની વધુ સજા ફરમાવવામાં આવી હતી.જ્યારે બીજી વાર મારામારી કરી છરી જેવા હથિયારથી ઇજાઓ પહોંચાડતા ઉપરોક્ત ત્રણ આરોપીઓ સહિત ડુંગર ગામના ટીનો ઉર્ફે મુકેશભાઈ શંકરભાઈ પારગીને કસૂરવાર ફેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા પ્રત્યેક આરોપીઓને રૂપિયા 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જો આ દંડની રકમ નહીં ભરે તો આ આરોપીઓને 30 દિવસની વધુ સાદી કેદની સજા કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ બંને સજા એક સાથે ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત ચાર આરોપીઓને ફતેપુરા નામદાર કોર્ટ દ્વારા સજા ફરમાવતા નોંધ લેવામાં આવી હતી કે, અગાઉ કરેલ ફરિયાદ બાબતે મન દુ:ખ રાખી તે બાબતે તકરાર ચાલતી હોય ઝઘડો કરી છરી જેવા હથિયારથી માર મારી ઇજાઓ કરેલ છે. આરોપીઓએ ફરિયાદી ઉપર હુમલો કરી ઇજાઓ કરી કાયદો પોતાના હાથમાં લઇ આરોપીઓ દ્વારા ગુનો આચરેલ છે. જો આવા કેસમાં યોગ્ય સજા કરવામાં ન આવે તો આ પ્રકારના ગુન્હાઓને પ્રોત્સાહન મળે તેમ છે. અગાઉ ફરિયાદ કરેલ હોય તેમ છતાં કાયદાની બીક રાખ્યા વગર હુમલો કરી ઇજા કરેલ છે. જે સંજોગોમાં કાયદાનો હેતુ જોતા આરોપીઓને બેનિફિટ ઓફ પ્રોફેશન્સ ઓફેન્ડર્સ એક્ટની જોગવાઈનો લાભ આપવા યોગ્ય કેસ જણાઈ આવતો નથી. વધુમાં ફતેપુરા તાલુકામાં નાની-નાની બાબતોમાં મારામારીના ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં છે. જો આવા કેસોમાં યોગ્ય સજા કરવામાં ન આવે તો સામાન્ય સંજોગોમાં શાંતિથી રહેવાવાળા નાગરિકોને હેરાનગતિ ઉભી થાય તેમ જ આવા પ્રકારના ગુનાનું પ્રમાણ પણ વધતું રહે. તે સંજોગો તથા હકીકતોને જોતા ફતેપુરા કોર્ટ દ્વારા આરોપીઓને સજા તથા દંડ ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.