- જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે, કોઈ પણ રાજ્ય તેની પર ક્લેમ નહીં કરે: અમિત શાહ
નવીદિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર ગૃહપ્રધાન અમિત શાહે બેઠક યોજી. બેઠકમાં બંને રાજ્યોના મુખ્યપ્રધાનો સામેલ થયા હતા, બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈ અને કર્ણાટકના ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ ભાગ લીધો. બેઠક બાદ અમિત શાહે કહ્યું કે વિવાદને પૂરો કરવા માટે અમે બંને પક્ષો સાથે વાત કરી છે.
તેમને કહ્યું કે બંને પક્ષોએ સકારાત્મક અભિગમ રાખ્યો. બંનેએ કહ્યું કે વિવાદ રસ્તા પર હલ થતો નથી. ફેક ટ્વિટર હેન્ડલથી લોકોની ભાવનાઓને ભડકાવામાં આવી છે. જે લોકોએ ભાવનાઓ ભડકાવી છે તેમની ઉપર એફઆઇઆર અને કાર્યવાહી થશે.
શાહે કહ્યું કે બંને રાજ્યોના વિપક્ષી દળો પર અપેક્ષા રાખવામાં આવે છે કે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના પર અમલ કરશે અને આ મુદ્દાને રાજકીય રંગ નહીં આપે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નથી આવતો, કોઈ પણ રાજ્ય તેની પર ક્લેમ નહીં કરે, બંને રાજોયમાંથી ૩-૩ મંત્રી એટલે કે કુલ ૬ મંત્રી બેસશે અને તેની પર ચર્ચા કરશે. તેમને કહ્યું કે બંને રાજ્યોમાં કાયદાકીય વ્યવસ્થા યોગ્ય રહે અને કોઈને પણ મુશ્કેલી ના પડે તેના માટે એક સિનિયર આઈપીએસ અધિકારીની આગેવાનીમાં કમિટી બનાવવામાં આવશે. બંને રાજ્યોની વચ્ચે જે પણ અન્ય ભાષાના લોકો વસી રહ્યા છે, તેમને રાજકીય મુદ્દો બનાવવામાં ના આવે.
ગયા અઠવાડિયે જ આ સીમા વિવાદ ખુબ વયો હતો. જ્યારે બંને તરફથી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા. બંને રાજ્યોના નેતાઓની નિવેદનબાજીની વચ્ચે કન્નડ અને મરાઠી સમર્થક કાર્યર્ક્તાઓને પોલીસે બેલગાવીમાં ધરપકડ કરી લીધી. ત્યારબાદ કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનોએ ફોન પર એકબીજા સાથે વાતચીત કરી અને સહમતિ વ્યક્ત કરી કે બંને પક્ષોની વચ્ચે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવો જોઈએ.
ભાષાના આધાર પર રાજ્યોનું પુનર્ગઠન કર્યા બાદ ૧૯૫૭થી સીમા વિવાદનો મુદ્દો યથાવત છે. મહારાષ્ટ્ર બેલગાવી પર દાવો કરે છે, જે તત્કાલીન બોમ્બે પ્રેસીડેન્સીનો ભાગ હતું, કારણ કે અહીં મરાઠી ભાષાની સંખ્યાનો એક મોટો હિસ્સો છે. મહારાષ્ટ્ર ૮૧૪ મરાઠી ભાષાના ગામડાઓ પર પણ દાવો કરે છે, જે હાલમાં કર્ણાટકનો ભાગ છે.