- આફતાબએ જણાવી હતી તે જ જગ્યાઓ પરથી હાડકાં મળ્યા હતા.
નવીદિલ્હી,
શ્રદ્ધા હત્યા કેસમાં ગુરુવારે પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હીનાં જંગલોમાંથી મળેલાં હાડકાંના ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેળ ખાય છે. આ હાડકાં મહેરૌલી અને ગુરુગ્રામનાં જંગલોમાંથી મળ્યાં હતાં. આ હાડકાં આફતાબના કહેવા પર મળી આવ્યાં હતાં. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ૨૮ વર્ષના આફતાબે ૧૮ મેના રોજ ૧૭ વર્ષીય શ્રદ્ધાની હત્યા કરી હતી. બંને લિવ-ઈનમાં રહેતાં હતાં. આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ૩૫ ટુકડા કર્યા હતા. એને છુપાવી રાખવા માટે ૩૦૦ લિટરનું ફ્રિજ ખરીદ્યું હતું. ૧૮ દિવસ સુધી દરરોજ રાત્રે ૨ વાગે જંગલમાં મૃતદેહના ટુકડા ફેંકવા માટે જતો હતો.
ગયા મહિને આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે શ્રદ્ધાની હત્યાની કબૂલાત કરી હતી. દિલ્હીની બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ ખાતે આફતાબનો નાર્કો ટેસ્ટ ૨ કલાક ચાલ્યો હતો. આફતાબે ટેસ્ટમાં પુછાયેલા મોટા ભાગના પ્રશ્ર્નોના જવાબ અંગ્રેજીમાં આપ્યા હતા. આફતાબે પોલીગ્રાફ ટેસ્ટમાં પણ શ્રદ્ધાની હત્યાની કબૂલાત કરી હતી, જોકે એ સમયે તેણે કહ્યું હતું કે તેને હત્યાનો પસ્તાવો નથી.
રોહિણી એફએસએલમાં પોલીગ્રાફ ટેસ્ટ માટે લઈ જતા સમયે આફતાબ પર હુમલો કરવામાં આવ્યો હતો. આફતાબને લઈને જઈ રહેલી પોલીસ વાન પર રોહિણી ખાતે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી બહાર ૪-૫ લોકોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોના હાથમાં તલવારો હતી. જોકે પોલીસે આ હુમલાખોરો સામે આફતાબને બચાવી લીધો હતો.
આફતાબની ૧૨ નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ૧૭ નવેમ્બરે તેની કસ્ટડી વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવી હતી. કોર્ટે તેને ૨૬ નવેમ્બરે ફરી ૧૩ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ૯મી ડિસેમ્બરે દિલ્હીની સાકેત કોર્ટમાં વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આફતાબની કસ્ટડી ૧૪ દિવસ વધારી દીધી છે.
શ્રદ્ધા હત્યા કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ એક ડોક્ટરને ડેટ કરી હતી. તે આ છોકરીને ડેટિંગ એપ બમ્બલ દ્વારા મળ્યો હતો અને જ્યારે શ્રદ્ધાના શરીરનાં અંગો ફ્રિજમાં રાખવામાં આવ્યાં હતાં ત્યારે તેને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી પોલીસે યુવતીની ઓળખ કરી લીધી છે. તે વ્યવસાયે સાઇકોલોજિસ્ટ છે. આફતાબ અને શ્રદ્ધા પણ બમ્બલ એપ પર મળ્યાં હતાં. કોર્ટે આફતાબને ૧૩ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ પહેલાં આફતાબને આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેને હોસ્પિટલમાંથી જ વીડિયો- કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબની નવી ગર્લફ્રેન્ડ સામે આવી છે. તેણે દાવો કર્યો છે કે તેને શ્રદ્ધાના મર્ડર અથવા તેના ટુકડા સાથે કોઈ લેવાદેવા નથી. છોકરીએ જણાવ્યું હતું કે જ્યારે તે આફતાબને મળવા તેના ઘરે જતી હતી ત્યારે તેને અંદાજ નહોતો કે તેણે તે જ ઘરમાં શ્રદ્ધાના ટુકડા રાખ્યા છે. મે મહિનામાં શ્રદ્ધાના મર્ડર પછી આફતાબે તે નવી છોકરીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેની મુલાકાત બમ્બલ એપ પર થઈ હતી. તે એપ દ્વારા જ શ્રદ્ધા અને આફતાબ મળ્યાં હતાં. આ નવી ગર્લફ્રેન્ડ ઓકટોબરમાં બેવાર આફતાબના ઘરે આવી હતી. તેણે પોલીસને એવું પણ કહ્યું કે આફતાબે ૧૨ ઓક્ટોબરે તેને એક આટફિશિયલ રિંગ પણ આપી હતી. પોલીસે તેની પાસેથી આ રિંગ લઈ લીધી છે અને નિવેદન રેકોર્ડ કરી લીધું છે.