- ૪૮ કલાકમાં ધરપકડ નહિ થાય તો આંદોલનની ક્ષત્રિય સમાજની ચીમકી.
રાજકોટ,
ડાયરા ગજવતા દેવાયત ખવડે તેના સાગરીત સાથે મળી તેના પડોશમાં રહેતા મયુરસિંહ રાણા ઉપર રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં હુમલો કર્યો હતો. જેમાં મયુરસિંહ રાણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને આઠ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી રાજકોટ પોલીસે દેવાયત ખવડની ધરપકડ ન કરી શકી નથી. જેથી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી છે. જેથી આજે ક્ષત્રિય સમાજના ૫૦ થી વધુ આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે મયુરસિંહના પરિવાર સાથે પહોંચી ગયા હતા અને ડીસીપી સુધીર દેસાઈને રજૂઆત કરી હતી કે આગામી ૪૮ કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં નહીં આવે તો મયુરસિંહ રાણાના પરિવારજનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો આંદોલન ઉપર ઉતરી જશે. જેથી પોલીસે ક્ષત્રિય સમાજને બાંહેધરી આપી હતી કે દેવાયતને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો તેમજ ટેકનિકલ સર્વેન્સને કામે લગાડી દીધા છે અને તાત્કાલિક તેને ઝડપી લેવામાં આવશે.
ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ કહ્યું કે, બનાવ બનીને સાત-આઠ દિવસ થઈ ગયા, છતાં આજદિન સુધી પોલીસે તેની ધરપકડ કરી નથી. આ પહેલા પણ રાજપૂત સમાજની મહિલાઓએ આવેદનપત્ર આપ્યુ હતું. આજે ત્રીજુ આવેદન આપ્યું. જો પોલીસ દેવાયતની ધરપકડ નહિ કરે તો આ પછી ચોથુ આવેદન ધરણાનુ હશે, અને પાંચમું આવેદન ઉપવાસ આંદોલન હશે. આટલી કલમ લગાવ્યા બાદ પણ ધરપકડ ન થાય એ કેવું. સખત પગલા લેવા જોઈએ. દેવાયત ભાગ્યો હશે તો રસ્તામાં અનેક સીસીટીવી, ટોલનાકા આવ્યા હશે, તે પરથી તપાસ કરી શકાય છે. અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધરપકડ થાય. પોલીસ ચારે દિશામાં તપાસ કરવી જોઈએ. પોલીસે બધુ તપાસ કરયું, માત્ર ધરપકડ ન કરી.
ક્ષત્રિય સમાજના લોકોને સાંત્વના આપતા ઝો-૨ના ડીસીપી સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, દેવાયત ખવડને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. દેવાયતના આશ્રય સ્થાનો પર તપાસ હાથ ધરાવામાં આવી રહી છે. તેમજ તેની સાથે સંકળાયેલા લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા. તેના સોશિયલ મિડીયા એકાઉન્ટ અને મોબાઇલ નંબર પર ટેક્નિકલ સેલની મદદથી નજર રાખવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોને પણ તટસ્થ તપાસની ખાતરી આપી છે.
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ મળીને એક યુવક પર અગંત અદાવત રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કલાકાર કલાકારી કરીને ફરાર થઈ ગયો હતો. રાણો રાણાની રીતે…શબ્દ કહીને ફેમસ થનારો રાણો હાલ ક્યાં ખોવાણો છે એ મોટો પ્રશ્ર્ન છે. ફરાર દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ છે, ખવડ પોલીસને પૈસા ખવડાવીને ક્યાંક સંતાઈ રહ્યો હોવાનો ઇજાગ્રસ્ત મયુરસિંહના પરિવારનો આક્ષેપ છે. એક તરફ તે ઉચ્ચ પોલીસ અધિકારીના પુત્ર માટે બર્થ-ડે વિશ માટે વીડિયો બનાવીને મોકલે છે અને બીજી તરફ તેની તપાસ કરી રહેલી પોલીસને તે મળતો નથી ગજબની વાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ ૮ દિવસથી પોલીસથી નાસતો ફરે છે. જોકે રાજકોટના તત્કાલીન પીઆઇના પુત્રને વિડીયો મેસેજ દ્વારા બર્થ-ડે વિશ કરતા નવો વિવાદ શરૂ થયો છે. ગત ૭ ડીસેમ્બરના રાજકોટના સર્વેશ્ર્વર ચોક નજીક લોક સાહિત્યકાર દેવાયત ખવડે બિલ્ડર મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતી. રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ દેવાયત ખવડ સહિત ૩ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સાત દિવસ વીતી ગયા છતાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી નથી.