બેંગ્લુરુ,
કર્ણાટકના એક ગામમાં સરકારી શાળાની દુર્દશાની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક સાડી ‘ઓપન ટોયલેટ’ માટે દિવાલ તરીકે કામ કરતી દેખાઈ રહી છે. શાળામાં શૌચાલય માટે એક ખૂણેથી બીજા ખૂણે લાંબુ કાપડ બાંધી રાખ્યું છે.
આ શાળામાં સાત છોકરીઓ અને છ છોકરાઓ છે, જેઓ આ શૌચાલયનો ઉપયોગ કરે છે. શાળાના શૌચાલયનું બિલ્ડીંગ થોડા વર્ષો પહેલા જર્જરિત થઈ ગયું હતું, ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. શાળામાં પાણી માટે એક ખુલ્લી ટાંકી છે, જ્યાં એક ડોલ અને મગ રાખવામાં આવ્યા છે.
આ શાળા શિવમોગાના જિલ્લા મુખ્યાલયથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર બરુવે ગામના વિસ્તારમાં આવેલી છે. આ ગામની સૌથી નજીકનું શહેર સાગર છે, જે ૬૦ કિલોમીટર દૂર આવેલું છે. તસવીરો વાયરલ થયા પછી, શિવમોગાના જાહેર સૂચનાના નાયબ નિયામક પરમેશ્ર્વરપ્પાએ કહ્યું, જિલ્લા અધિકારીઓ દ્વારા શાળાની સ્થિતિ અંગે રિપોર્ટ આપ્યા બાદ શાળામાં સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
શાળા વહીવટીતંત્રે બાળકોને ખુલ્લા શૌચાલયનો ઉપયોગ કરવા જણાવ્યું છે, કારણ કે ક્ષતિગ્રસ્ત શૌચાલયની ઇમારત વર્ષોથી રિપેર કરવામાં આવી નથી. નામ ન આપવાની શરતે, ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ મુદ્દો જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સમક્ષ અનેક વખત ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ કંઈ બદલાયું નથી.