મોરવા હડફ તાલુકાના ખેડૂતો દ્વારા રવિ પાકની સીઝન માટે હડફ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. જેથી હડફ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માંગ ધ્યાને લઇ રવિ સીઝન માટે હડફ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને શુક્રવારે મોરવાહડફના ધારાસભ્ય સિંચાઇ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વિરેન્દ્રસિંહ તલાર સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં હડફ ડેમ માંથી જમણા કાંઠાની નહેરમાં 25 ક્યુસેક અને ડાબા કાંઠાની નહેરમાં 25 ક્યુસેક એમ બન્ને જમણા અને ડાબા કાંઠાની નહેરમાં 50 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું હતું. 25 ક્યુસેક થી શરૂઆત કરીને 70 ક્યુસેક સુધી તબક્કાબાર સિંચાઈ માટે પાણી છોડવામાં આવનાર છે. હડફ ડેમ માંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા મોરવા હડફ તાલુકાના માતરિયા, ડાંગરિયા, રામપુર, કડાદરા અને નાગલોદ સહિતના 21 જેટલા ગામોની આશરે 4000 હેકટર જમીનમાં રવિ સીઝનનો પાક પકવવામાં ખેડૂતોને લાભ મળશે, તેમજ હડફ ડેમમાંથી રવિ સીઝન માટે સિંચાઈનું પાણી છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે.