ઝારખંડના કોંગ્રેસના મહિલા ધારાસભ્યને પાંચ વર્ષની કેદ

રામગઢ,

ઝારખંડના રામગઢના કોંગ્રેસના ધારાસભ્ય મમતા દેવીને હિંસાના કેસમાંપાંચ-પાંચ વર્ષની સજા આપવામાં આવી છે. જોકે આ સજા એક સાથે જ લાગુ પડશે.

તેથી પાંચ વર્ષ મમતા દેવીએ જેલમાં રહેવું પડશે. રામગઢના ગોલામાં પ્રદર્શન દરમિયાન હિંસા મામલામાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. અગાઉ ગોલા ગોળીકાંડમાં અન્ય એક કેસમાં પણ મમતા દેવીને આઠમી ઓગસ્ટે ત્રણ-ત્રણ મહિનાની સજા આપવામાં આવી હતી.

નિયમ મુજબ જો કોઇ જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય કે સાંસદને કોઇ મામલામાં આપવામાં આવેલી સજા બે વર્ષથી વધુની હોય તો તેની પાસેથી ધારાસભ્ય કે સંસદનું પદ લઇ લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૬ના રોજ રામગઢમાં મમતા દેવી આઇપીએલ કંપનીને બંધ કરાવવા મુદ્દે કંપનીની બહાર એક આંદોલનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

આ આંદોલનમાં ૨૦૦ જેટલા ગ્રામજનો હતા, જેઓ ઉગ્ર થઇ ગયા, જે દરમિયાન પોલીસે સ્વરક્ષા માટે ગોળીબાર કરવો પડયો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૨૫ જેટલા લોકો ઘવાયા હતા. આ મામલે વર્ષ ૨૦૧૬માં કેસ દાખલ કરાયો હતો, જેમાં મમતા દેવીને દોષી ઠેરવીને તેમને આ સજા આપવામાં આવી છે. મમતા દેવી ઉપરાંત અન્ય ૧૨ લોકોને પણ સજા અપાઇ છે. બીજી તરફ મમતા દેવીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેને બાળક હોવાથી તેની દેખરેખ કોણ રાખશે. જોકે આ દલિલોને ફગાવી દેવાઇ હતી અને કોંગ્રેસના ધારાસભ્યને સજા અપાઇ છે. આ મામલે હવે મમતા દેવી હાઇકોર્ટમાં અપીલ દાખલ કરશે.