રાજકોટ,
રાજકોટમાં કુવાડવાના એક ગામની સીમ વિસ્તારમાં રહી ખેતમજુરી કરતા મુળ મહિસાગર પંથકના શ્રમિક પરિવારની કિશોરી પર તેના જ પિતરાઈ ભાઈએ અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો ગુન્હો કુવાડવા પોલીસમાં નોંધાયો છે.
વધુ વિગતો મુજબ,કુવાડવાના એક ગામની સીમમાં આવેલી વાડી વિસ્તારમાં રહી ખેતમજુરી કરતા મુળ મહિસાગર પંથકના શ્રમિક પરિવારની ૧૭ વર્ષની કિશોરી અગાઉ તેના પરિવાર સાથે તેના વતનમાં રહેતી હતી ત્યારે તેના વિજય નામના પિતરાઈ ભાઈએ તેને ગત ફેબ્રુઆરી માસ બાદથી અવારનવાર હવસનો શિકાર બનાવી હતી.જેના કારણે કિશોરી ગર્ભવતી બની હતી.ત્યારબાદ તે તેના પરિવાર સાથે મજુરી કામ માટે રાજકોટ નજીકના એક ગામમાં રહેવા આવી ગઈ હતી.જ્યાં તે ઘણા સમયથી રહેતા હતા.
દરમિયાન ગઈકાલે સાંજે કિશોરીને દુ:ખાવો ઉપડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.જ્યાં તબીબોએ તપાસ કરતા તે ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. તેની સારવાર શરૂ કરાતા તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો.આમ કિશોરી કુંવારી માતા બનતા તબીબો દ્વારા એમએલસી જાહેર કરી પોલીસને જાણ કરાતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો.જ્યાં કિશોરીની પુછપરછ કરાતા સમગ્ર વિગત બહાર આવી હતી. હાલ કુવાડવા પોલીસે જીરો નંબરથી ગુનો દાખલ કરી મહિસાગર પોલીસને મોકલવા તજવીજ શરૂ કરી છે