મેધાલયના ચાર ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા

ગોવાહાટી,

આગામી વર્ષે મેઘાલયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફાયદો થયો છે. ભારતીય જનતા પાર્ટીએ મેઘાલયના ચાર ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે, જેમાં એક ટીએમસીધારાસભ્યનો સમાવેશ થાય છે. આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્ર્વ શર્માએ ટીએમસી ધારાસભ્ય હિમાલયા સામ્પલિયાક,એનપીપી ધારાસભ્યો બેનેડિક્ટ મરાકા અને ફેરલીન સંગમા અને અપક્ષ ધારાસભ્ય સેમ્યુઅલ સંગમાને ભાજપમાં સામેલ કર્યા છે.

વાસ્તવમાં, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપએ એવા સમયે ટીએમસીને આંચકો આપ્યો છે જ્યારે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે મિશન મેઘાલયની શરૂઆત કરી છે. ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ મંગળવારે મેઘાલયમાં ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું અને મહિલા સશક્તિકરણ, યુવાનોની સુધારણા અને રાજ્યની સંસ્કૃતિની જાળવણીના નામે મત માંગ્યા.

પૂર્વોત્તર રાજ્ય પર નવી દિલ્હી અથવા ગુવાહાટીથી શાસન ચાલતું હોવાનો દાવો કરતા પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી મેઘાલયના લોકોને મદદ કરવા માંગે છે, જેથી રાજ્યમાં ખેડૂતોનું જ શાસન રહે. બેનર્જી હાલમાં મેઘાલયના પ્રવાસે છે, જ્યાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

મમતા બેનર્જીએ અહીં ટીએમસી કાર્યર્ક્તાઓના સંમેલનને સંબોધિત કરીને તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો અને ક્રિસમસ પહેલા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો. તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકારે મેઘાલય તેમજ અન્ય પૂર્વોત્તર રાજ્યોની સંપૂર્ણ ઉપેક્ષા કરી છે. મુખ્યમંત્રી બેનર્જીએ આસામ-મેઘાલય સરહદ વિવાદને કારણે ગયા મહિને મુખરોહ ગામમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને પાંચ પાંચ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા પણ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેઘાલયમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ ૧૫ માર્ચ ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી ૨૦૧૮માં યોજાઈ હતી. ચૂંટણીઓ પછી, નેશનલ પીપલ્સ પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધને રાજ્ય સરકારની રચના કરી, જેમાં કોનરાડ સંગમા મુખ્યમંત્રી બન્યા હતા.