
પણજી,
અત્યાર સુધી અર્જુન તેંડુલકરની ઓળખ માત્ર સચિન તેંડુલકરના પુત્રના રૂપમાં હતી, પરંતુ હવે આ યુવા ખેલાડીએ બુધવારે આલોચકોને વળતો જવાબ આપ્યો છે. રણજી ટ્રોફીની પોતાની પહેલી મેચમાં અર્જુન શતકવીર બની ગયો છે. ડાબા હાથના આ બેટરે રાજસ્થાન વિરુદ્ધ મેચના બીજા દિવસે સદી ફટકારી દીધી છે. પોતાની શતકીય ઈનિંગમાં અર્જુને૧ ૨ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી છે.
અર્જુન તેંડુલકરે પોતાના પિતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. પોતાની પહેલી રણજી મેચમાં અર્જુને સદી ફટકારી. આ સંયોગ કહો કે બીજુ કંઈ તેંડુલકર પરિવાર માટે ડિસેમ્બરનો મહિનો ખુબ ભાગ્યશાળી રહ્યો. આ પહેલા સચિને ગુજરાત વિરુદ્ધ ડિસેમ્બર ૧૯૮૮માં અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા. તફાવત માત્ર એટલો છે કે તે સમયે સચિન માત્ર ૧૫ વર્ષનો હતો, પરંતુ અત્યારે અર્જુનની ઉંમર ૨૩ વર્ષ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે પરંતુ તેણે અત્યાર સુધી પર્દાપણ કર્યું નથી.