
નવીદિલ્હી,
મની લોન્ડરિંગ કેસમાં બુધવારે ઈડીએ બાહુબલી માફિયા મુખ્તાર અંસારીને અલ્હાબાદના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રજૂ કર્યો હતો. ઈડીએ અંસારીના કસ્ટોડિયલ રિમાન્ડ માટે અરજી દાખલ કરી. આ કેસમાં ઈડીએ મુખ્તાર અંસારીના ૧૦ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. મુખ્તાર અંસારી ૨૩ ડિસેમ્બરે બપોરે ૨ વાગ્યા સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે, જે દરમિયાન મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે.
જણાવી દઈએ કે અંસારીના પુત્ર ધારાસભ્ય અબ્બાસ અંસારી અને સાળા શરજીલની પણ પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડ પર લીધા છે. હાલ બંનેને રિમાન્ડની કસ્ટડી પૂર્ણ થતાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. અંસારીની ધરપકડ કર્યા બાદ હવે ઈડી તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. મુખ્તાર અંસારી હાલ બાંદા જેલમાં બંધ છે. મુખ્તારને બી વોરંટ પર બાંદા જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. ત્યાંથી તેને કડક સુરક્ષા હેઠળ લાવવામાં આવ્યો હતો.